વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલા ચોરીના બનાવોને પગલે હવે સોસાયટીના રહીશોને પોલીસના નાઈટ પેટ્રોલિંગ ઉપર ભરોસો રહ્યો નથી. સોસાયટીના રહીશો હવે પોતાની સોસાયટીની સુરક્ષા માટે હવે ટુકડીઓ બનાવીને નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા છે. વડોદરાના ન્યુ VIP રોડ પર આવેલી સુંદરમ સોસાયટીના રહીશો દ્વારા પોતાની સોસાયટીની સુરક્ષા માટે ટુકડીઓ બનાવીને રાત્રે 1થી 4 વાગ્યા સુધી જાતે રાત્રિ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જોકે, સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, આ જવાબદારી પોલીસ તંત્રની છે. પરંતુ, પોલીસ તંત્ર નિષ્ફળ ગયું હોવાથી અમારે આ વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.
પોલીસ તંત્ર દ્વારા કોઈ સહકાર મળતો નથી
વડોદરાના ન્યુ વીઆઈપી રોડ ઉપર આવેલી સુંદરમ સોસાયટીમાં રહેતા બ્રિજેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમારી સોસાયટી સહિત આસપાસમાં આવેલી સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, અમારી સોસાયટીમાં આજ દિવસ સુધી ચોરીનો બનાવ બન્યો નથી. પરંતુ, ચોરીના બે વખત પ્રયાસ થયા છે. અમારી આસપાસમાં આવેલી સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીની સુરક્ષા માટે યુવાનોની ટુકડીઓ બનાવીને ફેરણી શરૂ કરી દીધી છે અને જેથી અમે પણ અમારી સોસાયટીમાં યુવાનોની ટુકડીઓ બનાવીને રાત્રે એક વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી ફેરણી શરૂ કરીને અમારી સોસાયટીની સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. અમારી સોસાયટી સહિત આસપાસમાં આવેલી સોસાયટીના રહીશો દ્વારા ચોરીઓના બનાવ અંગે પોલીસ તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ સહકાર મળતો ન હોવાના કારણે અમારે આ વ્યવસ્થા ગોઠવવાની ફરજ પડી છે.
ચોરીના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરીજનોને સુરક્ષા પૂરી પાડવા પોલીસતંત્ર અને સરકારની ફરજમાં આવે છે, પરંતુ, પોલીસ તંત્ર અને સરકાર દ્વારા અમોને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ પુરવાર થયું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્રના રાત્રી પેટ્રોલિંગ ઉપર પણ આક્ષેપ કરતા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, રાત્રિ પેટ્રોલિંગ થાય છે કે નહીં એ પણ એક સવાલ છે. ખરેખર રાત્રિ પેટ્રોલિંગ થતું હોય તો ચોરીના બનાવો બનવા ના જોઈએ. પરંતુ, ચોરીના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
સુંદરમ સોસાયટી ચર્ચાનો વિષય બની
વીઆઇપી રોડ ઉપર આવેલી સુંદરમ સોસાયટીના રહીશો દ્વારા પોતાની સોસાયટીની સુરક્ષા માટે શરૂ કરેલી નવી વ્યવસ્થા આસપાસની સોસાયટીઓમાં ચર્ચાનો વિષય બની છે. શક્ય છે કે આવનારા દિવસોમાં શહેરીજનોને પોતાની સુસાયટીની સુરક્ષા માટે પોલીસ તંત્ર ઉપર ભરોસો ન રાખીને પોતાની સોસાયટી માટે રાત્રે ફેરણી ફરવી પડે તો નવાઈ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.