વડોદરામાં ભૂતડીઝાંપા વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં હાથીખાના વિસ્તારના રહીશો કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર દરવાજા પાસે ધરણાં યોજીને સૂત્રોચ્ચાર કર્યાં હતા.
સમસ્યાનું કાયમી નિરાકરણ આવતુ નથી
વડોદરા શહેર આમ આદમી પક્ષએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભૂતડીઝાંપા વિસ્તારના ગેંડા ફળીયામાં 1200 જેટલા રહીશો વસવાટ કરે છે. જેમણે 677 વોટ ભાજપને આપ્યા છે. તેમ છતાં આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. અવારનવાર વહીવટી વોર્ડની કચેરીમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ થોડા દિવસ સુધી સમસ્યાનું નિરાકરણ થાય છે, ત્યારબાદ ફરી પરિસ્થિતિ યથાવત બને છે.
રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે
તાજેતરમાં દુર્ગંધ મારતું ડ્રેનેજ મિશ્રિત પાણી પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેના કારણે વિસ્તારના રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે. અધિકારીઓ પદાધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. આડેધડ ખોદકામ વચ્ચે વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા પણ વકરી છે. સ્થાનિક કોર્પોરેટર ફોન રિસીવ કરતા નથી. પાણી પુરવઠા તથા ડ્રેનેજ ના નાયબ કાર્યપાલક ઇજનેરો ફરજ પર નિષ્કાળજી દાખવી સ્થાનિકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વેરો ભરતા સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. જેથી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ થાય તે જરૂરી છે. નહીં તો આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે ધરણાં યોજીને વિરોધ પ્રદર્શિત કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.