પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ:વડોદરાના છાણી વિસ્તારની 4 સોસાયટીના રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
500થી વધુ પરિવારોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે - Divya Bhaskar
500થી વધુ પરિવારોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે

વડોદરાના છેવાડે આવેલા છાણી વિસ્તારમાં આવેલી અવધ રેસિડેન્સી-4, રુદ્રાક્ષ રેસિડેન્સી, સિદ્ધેશ્વર ફ્લેટ, પુષ્પમ બંગ્લોઝમાં રહેતા 500થી વધુ પરિવારોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સ્થાનિકોએ 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા લગાવ્યા હતા.

તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું
એક સ્થાનિકે જણાવ્યું હતું કે, હું છાણી વિસ્તારના સિદ્ધેશ્વર ફ્લેટમાં રહું છું, અમારા ફ્લેટમાં 60 ઘર છે. અમારી રસ્તા અને રોડ બનાવવાની માંગણી છે. અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની 5 સોસાયટીઓમાં 10 વર્ષથી કોઈ સુવિધાઓ મળી નથી. રોડ, પાણી અને ડ્રેનેજની સુવિધાઓ નથી, અહીં જંગલ જેવો માહોલ છે. અમે લોકોએ મળીને નક્કી કર્યું છે કે, અમને સુવિધાઓ નહીં મળે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું. વડોદરા મહાનગર પાલિકા અમારી પાસેથી ટેક્સ ઉઘરાવે છે, પણ સુવિધાઓ પૂરી પાડતુ નથી.

અવધ રેસિડેન્સી-4, રુદ્રાક્ષ રેસિડેન્સી, સિદ્ધેશ્વર ફ્લેટ, પુષ્પમ બંગ્લોઝના રહીશોનો વિરોધ.
અવધ રેસિડેન્સી-4, રુદ્રાક્ષ રેસિડેન્સી, સિદ્ધેશ્વર ફ્લેટ, પુષ્પમ બંગ્લોઝના રહીશોનો વિરોધ.

પ્રાથમિક સુવિધાઓ આપવા ઉગ્ર માંગ
છાણી વિસ્તારમાં આવેલી અવધ રેસિડેન્સી-4, રુદ્રાક્ષ રેસિડેન્સી, સિદ્ધેશ્વર ફ્લેટના રહીશો ગઈકાલે રાત્રે એકત્ર થયા હતા અને તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની ઉગ્ર માંગ કરી હતી.

કારેલીબાગમાં પણ મતદાનના બહિષ્કારના બેનર્સ લાગ્યા હતા
બે દિવસ પહેલા જ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીઓના રહીશોએ મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા હતા. જેમાં કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો હતો. શાક માર્કેટ અને લારી-ગલ્લાના દબાણને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. અનેક વખત તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સોસાયટીઓ બહાર મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે.

સ્થાનિકોએ 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા લગાવ્યા હતા.
સ્થાનિકોએ 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા લગાવ્યા હતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમે મત આપવા માંગીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી તો અમે શા માટે મત આપીએ? રોડ પર શાક માર્કેટ ભરાતુ હોવાથી ટ્રાફિકજામ થાય છે અને સોસાયટીમાં લોકો વાહન પાર્ક કરે છે. આ શાક માર્કેટ હટાવવાની અમારી માંગ છે.

કરજણમાં ચૂંટણીનો બહિષ્કાર
બે દિવસ પહેલા કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીના રહીશો દ્વારા રસ્તાને લઈને સોસાયટીમાં કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર કરવા આવું નહીં એ રીતનું બોર્ડ મારીને ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર જાગતું થયું હતું. અને તાત્કાલિક સહજાનંદ સોસાયટીના રહીશો સાથે મીટીંગ કરવા પહોંચી ગયું હતું. તંત્ર દ્વારા સ્થળ પર જઈને રસ્તાની સમસ્યા હલ કરવાની હૈયાધારના આપવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે રહીશો તંત્રની હૈયાધારણા સ્વીકારશે, કે પછી ચૂંટણીનું બહિષ્કાર યથાવત રાખશે.

પ્રાથમિક સુવિધાઓ આપવાની ઉગ્ર માંગ કરી હતી.
પ્રાથમિક સુવિધાઓ આપવાની ઉગ્ર માંગ કરી હતી.

માકણ ગામમાં ભાજપ-કોંગ્રેસનો વિરોધ
ત્રણ દિવસ પહેલા કરજણના માકણ ગ્રામ પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ગામમાં પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનર્સ લગાવી દેવામાં આવ્યા હતા. 'ભરોસાના નામે ભવાઈ કરતી ભાજપ સરકારના નેતાઓએ માંકણ ગામમાં મત લેવા પ્રવેશ કરવો નહીં. ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વોટ માંગવા માંકણ ગામમાં પ્રવેશ કરશો તો ગામના લોકો દ્વારા સખતમાં સખત વિરોધ કરવામાં આવશે. તથા નીચે દર્શાવેલ તમામ પ્રશ્નોના જવાબો આપવાની તૈયાર દર્શાવીને જાહેરમાં મીટિંગ કરવા ગામ લોકો આમંત્રિત કરે છે. આવા બેનર્સ ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે લખવામાં આવ્યું છે કે, ભાજપ તથા કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું મળશે નહીં.

અન્ય સમાચારો પણ છે...