તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં રેસિડેન્ટ તબીબોની હડતાળ:150 સર્જરી અટવાઈ, મ્યૂકોરના 3 દર્દીને ખસેડવા પડ્યા; પડતર પ્રશ્નો મામલે આંદોલનના છઠ્ઠા દિવસે કેન્ડલ માર્ચ યોજી દેખાવો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોએ સોમવારે સાંજેે મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઈટ સાથે દેખાવો કર્યા હતા. - Divya Bhaskar
સયાજી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોએ સોમવારે સાંજેે મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઈટ સાથે દેખાવો કર્યા હતા.
  • SSG બહાર રેલીને મંજૂરી ન મળી: 450 તબીબની જગાઅે માત્ર 40 આસિસ્ટન્ટ-એસોસિએટ પ્રોફેસર ડ્યૂટી પર તૈનાત

સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને પગલે અલગ અલગ વિભાગની 150 જેટલી સર્જરીઓ અટવાઈ છે. 450 જુનિયર તબીબો કામગીરીથી અળગા રહેતા દર્દીઓને નિદાન અને સારવાર માટે રાહ જોવી પડી રહી છે.એસઅસજીમાં મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીને અન્ય વોર્ડમાં ખસેડવા પડયા હતા. પડતર પ્રશ્નો મામલે શરુ કરાયેલા આંદોલનના છઠ્ઠા દિવસે કેન્ડલ માર્ચ કાઢી વિરોધ કરી રહેલા તબીબોને હોસ્પિટલ સંકુલ બહાર રેલી કાઢવાની મંજૂરી મળી નહતી. રેલી કાઢશો તો ધરપકડ કરવા પોલીસે ચીમકી આપતા તબીબોમાં નારાજગી પ્રવર્તી છે.

બરોડા મેડિકલ કોલેજના 450 જુનિયર તબીબોએ તેમના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે બુધવાર સાંજથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. હડતાળના છઠ્ઠા દિવસે સોમવારે સયાજી હોસ્પિટલમાં ઓ.પી.ડી સહિત વિવિધ વિભાગોમાં સવારથી જ મોટી સંખ્યામાં દર્દીઓ આવી પહોંચતા રેસિડેન્ટ તબીબોના અભાવે દર્દીઓને રાહ જોવાનો વારો આવ્યો હતો. બીજી તરફ સર્જીકલ વિભાગ, ઓર્થોપેડિક, ગાયનેક સહિતના વિવિધ વિભાગોમાં રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીથી સર્જરી મુલતવી કરવી પડી રહી છે. તબીબી સૂત્રો પ્રમાણે છેલ્લા 6 દિવસમાં અંદાજીત 150થી વધુ સર્જરી અટવાઈ છે.

જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉભરાયા હતા. જેમાં 450 રેસિડેન્ટ તબીબો સામે માત્ર 40 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરને ડ્યુટી પર હાજર રહેવા દર્દીઓને કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. હડતાળને પગલે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીન અન્ય વોર્ડમાં શિફટ કરવા પડયા હતા.

બીજી તરફ હડતાળના છઠ્ઠા દિવસે સોમવારે તબીબોએ સુપ્રિટેન્ટેડેન્ટ ઓફીસ સામે સૂત્રોચ્ચાર કરી તેમના પડતર પ્રશ્નોના ઉકેલનો સત્વરે નિકાલ લાવવામાં આવે તેવી માંગ સાથે આંદોલન વધુ પ્રબળ બનવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તંત્ર સામે સવાર બાદ સાંજે પણ તબીબોએ હોસ્પિટલ સંકુલમાં કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં 250થી વધુ તબીબો જોડાયા હતા.

કોન્ટ્રાક્ટ પૂરો થતાં ગોત્રીના 15 રેસિડેન્ટ તબીબ ટર્મિનેટ
ગોત્રી હોસ્પિટલના 15 સિનિયર રેસિડેન્ટને એક વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં ટર્મિનેટ કરાયા હતા. આ તબીબો હવે હોસ્પિટલમાં ફરી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાઇ શકશે. તમામ સિનિયર રેસિડેન્ટના હેડને જાણ કર્યા બાદ સિનિયર રેસિડેન્ટનું ટર્મિનેશન જાહેર કરાયું હતું. કોલેજનાં ડીન ડો. વર્ષા ગોડબોલેએ જણાવ્યું કે, કોરોનાને પગલે કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં ચાલુ જ રાખ્યા હતા. હવે નિયમ મુજબ નવા રેસિડેન્ટને આ જગ્યા આપવાની થતી હોવાથી તેમને ટર્મિનેટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...