વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા સુએપ પંપીગ સ્ટેશન નજીકના મંદિર બહાર કાટમાળ વચ્ચે મગર ફસાયો હોવાનો ફોરેસ્ટ વિભાગની ટીમને કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મગરને કાટમાળ નીચેથી મુક્ત કર્યો હતો. કાટમાળ નીચે ફસાયેલ મગર બહાર આવતાજ પાણી તરફ દોટ મૂકી હતી.
સડસડાટ દોડી ગયો
મળેલી માહિતી પ્રમાણે શહેરના કલાલી વિસ્તારમાં આવેલા સુએજ પંપ પાસેના મંદિર બહાર દિવાલના કાટમાળમાં 12 ફૂટનો મગર ફસાયો હોવાનો રેસ્ક્યૂ કોલ જીવદયા માટે કામ કરતી સંસ્થાને મળ્યો હતો. સંસ્થાના વોલેન્ટીયર્સ જીગ્નેશભાઇ તેમજ તેમની રેસ્ક્યુ ટીમ કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતા. અને મગરને કાટમાળ નીચેથી રેસ્ક્યૂ કર્યો હતો. મગરને કાટમાળની નીચેથી રેસ્ક્યુ કરીને બહાર કાઢતા જ મગરે સડસડાટ પાણી તરફ દોટ મૂકી હતી. ગણતરીની મિનીટોમાં મગર ગાયબ થઇ ગયો હતો.
મગર પાણીમાં ગરક થઇ ગયો
આ અંગે જિગ્નેશભાઇએ જણાવ્યું હતું કે, કલાલી સુએજ સ્ટેશનની બાજૂમાં તુટેલી દિવાલની બાજુમાં 12 ફુટ જેટલો મગર પડ્યો હોવાનો કોલ મળ્યો હતો. નજીકથી જ વિશ્વામિત્રી નદી પસાર થઇ રહી છે. અમે સ્થળ પર પહોંચીને જોયું તો મગર સ્વસ્થ હતો. અમે દોરડા વડે મગરને બહાર કાઢીને તેને વિશ્વામિત્રી નદીમાં રીલીઝ કરી દીધો હતો. મગરને રીલીઝ કરતાજ મગર પાણીમાં ગરક થઇ ગયો હતો.
લોકો ટોળે વળ્યા
આ અંગે સ્થાનિક શૈલેષ રાવલે જણાવ્યું કે, આ જગ્યા કલાલી રોડ, ગાયત્રી મંદિરની બાજુમાં મોટો ખાડો છે, ત્યાં મગર દેખાયો હતો. મગર પથ્થર વચ્ચે ફસાઇ ગયો હોય તેવું લાગતું હતું. મગરને બહાર કાઢ્યો. જે બાદ મગર જાતે જ વિશ્વામિત્રી નદીમાં જતો રહ્યો છે. ગણતરીની મિનીટોમાં મગર અદ્રશ્ય થઇ ગયો હતો. આ રેસ્ક્યુને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.