બીસીએમાં એક ફિજિયોને મનગમતી જગ્યાએ પોસ્ટિંગ અને એક ટ્રેનરને ફરી નોકરી રાખવાના મુદ્દે બીસીએની એપોઇન્ટમેન્ટ કમિટીની બેઠકમાં હોબાળો મચી ગયો હતો. જેને પગલે નારાજ સેક્રેટરી બેઠક છોડી ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બીસીએમાં ફિજિયો સુમિત રોય છેલ્લા કેટલાક સમયથી નોકરીમાં છે અને પશ્ચિમ વિસ્તારમાં ક્લિનિક પણ ચલાવે છે.
અગાઉ અનેકવાર સિનિયર ટીમ સાથે રહેલા સુમિત રોય ભૂતકાળમાં વિવિધ કક્ષાની ટીમ સાથે ફરજ બજાવી ચૂક્યા છે. મહિને રૂા.90 હજાર પગાર મળતો હોવા છતાં તેમણે સિનિયર ટીમને બદલે અન્ય ટીમ સાથે કામ કરવા બદલીની માગ કરી છે. જેનાથી મામલો ગરમાયો હતો. બીસીએની એપોઇન્ટમેન્ટ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. જેમાં કમિટીના કેટલાક સભ્યોએ કહ્યું હતું કે, પગાર મેળવનાર વ્યક્તિ કેવી રીતે નક્કી કરી શકે કે તેણે ક્યાં નોકરી કરવી છે? આ નિર્ણય તો બીસીએ કરી શકે. જોકે સુમિત રોયે બીસીએના કેટલાક વગદાર સભ્યોનો સંપર્ક કરીને પોતાનું ધાર્યું કરાવ્યું હોવાનું મનાય છે.
આ ઉપરાંત ઇમરાન પઠાણને ટ્રેનર તરીકે અગાઉ લેવાયો ન હતો, પણ તેને ફરી લેવામાં આવ્યો છે. આ નિયુક્તિમાં પણ કેટલાક વગદાર સભ્યોએ ભાગ ભજવ્યો હોવાનું મનાય છે. આ બેઠકમાં બીસીએના ઉપપ્રમુખ શીતલ મહેતા, એપેક્ષ મેમ્બર અમર પેટીવાલે, સેક્રેટરી અજીત લેલે, સીઈઓ શિશિર હટંગડી અને એચઆર પ્રિયંકા વર્મા ઉપસ્થિત હતાં. બીસીએના સભ્ય પ્રદીપ શાહે જણાવ્યું હતું કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધા નિર્ણયો લેવાઈ રહ્યા છે, જેનાથી ક્રિકેટને નુકસાન થઇ રહ્યું છે. બીસીએ એકવાર નિર્ણય લે તે પછી કઈ મજબૂરીને લીધે તે નિર્ણય પાછો લે છે તે બાબતે ચોખવટ કરવી જોઈએ. રિજેક્ટેડને ફરી નોકરી પર લેવાના મુદ્દે બેઠકમાં વિવાદ થતાં સેક્રેટરી અજીત લેલે બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.