અધ્ધરતાલ આયોજન:35 જેટલાં કામો કિંમત વિના બજેટમાં દર્શાવતાં ઇજનેર રવિ પંડ્યાની બદલી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટની ચર્ચામાં સ્થાયી સભ્યોઅે વાંધો ઉઠાવ્યો
  • ​​​​​​​​​​​​​​પૂર્વ વિસ્તારનાં કામોનો વિવાદ: પશ્ચિમ ઝોનના રાજેન્દ્ર વસાવાને પૂર્વ ઝોનનો ચાર્જ સોંપાયો

પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર રવિ પંડ્યાની પશ્ચિમ ઝોનમાં બદલી કરવામાં આવી છે. સ્થાયી સમિતિના સભ્યોએ પૂર્વ વિસ્તારના 74 પૈકી 35 કામોમાં અંદાજિત કિંમત દર્શાવી ન હતી. જે અંગે બજેટની ચર્ચા દરમિયાનસ્થાયી સભ્યોઅે ફરિયાદ કરતા મ્યુનિ. કમિશનરે આ નિર્ણય લીધો છે.

મ્યુનિસિપલ કમિશનરે પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર રવિ પંડ્યાને તાત્કાલિક ધોરણે પશ્ચિમ ઝોનમાં બદલી કરી છે. તેમની જગ્યાએ પૂર્વ ઝોનમાં પશ્ચિમ ઝોનની જવાબદારી નિભાવતા કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવાને મૂકવામાં આવ્યા છે. આધારભૂત સૂત્રો મુજબ પૂર્વ વિસ્તારમાં બજેટમાં 74 જેટલા કામો મૂકવામાં આવ્યાં હતાં.

જે પૈકી અંદાજિત 35 કામોમાં કોસ્ટ લખવામાં આવી ન હતી. જેથી સ્થાયીમાં બજેટની ચર્ચામાં પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરને બોલાવ્યા હતા. પરંતુ તેઓ વડોદરા બહાર હોવાનું ધ્યાને ચડ્યું હતું. સ્થાયી સભ્યોએ આવા અધિકારી સામે પગલાં ભરવા માંગ કરતા મ્યુનિ. કમિશનરે બદલીનો ઓર્ડર કર્યો છે. પૂર્વ ઝોનમાં બદલી કરાયેલા કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવાને અગાઉ પૂર્વ ઝોનમાં કાઉન્સિલરે થપ્પડ મારતા વિવાદ થયો હતો.

હનુમાનજીનું મંદિર હટાવવા રવિ પંડ્યાએ તજવીજ હાથ ધરતાં વિરોધ થયો હતો
ગેડા સર્કલથી મનીષા ચોકડી સુધી બની રહેલા બ્રિજ નીચે આવેલા હનુમાનજી મંદિરને હટાવવા અધિકારીએ હિલચાલ શરૂ કરતાે વિવાદ થયો હતો. વિરોધ વધતાં અધિકારીનો મનસૂબો પાર પડ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...