પાણીની સમસ્યા:વડોદરામાં પાણીની લાઇનના ભંગાણની સમારકામ શરૂ કરાતા ફતેપુરા, વારસિયા અને માંજલપુરમાં પાણીનો કકળાટ થશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દરબાર ચોકડી પાસે 10 દિવસ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાથી વાહનચાલકોને અગવડતા પડશે

વડોદરા મહાનગરપાલિકા હસ્તક પાણી પુરવઠા શાખા દ્વારા વ્હીકલ પુલ ખાતે પાણીની લાઇનમાં જોડાણ તથા માંજલપુર વિસ્તારની દરબાર ચોકડી પાસેની પાણીની લાઇનમાં ભંગાણની સમારકામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી ફતેપુરા, વારસિયા તથા માંજલપુર વિસ્તારમાં દિવાળી ટાણે પાણીનો કકળાટ સર્જાશે. તદુપરાંત દરબાર ચોકડી પાસે આ કામગીરીના પગલે 10 દિવસ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાથી વાહનચાલકોને અગવડતા પડશે.

80 હજાર લોકોને મુશ્કેલી પડશે
વડોદરા મહાનગર પાલિકા હસ્તક પાણી પુરવઠા શાખા દ્વારા વ્હીકલ પુલ બુસ્ટરની પાણીની લાઇનનું અન્ય લાઇન સાથે જોડાણની કામગીરી આવતીકાલે શુક્રવારના રોજ હાથ ધરાશે. વડોદરા શહેરના ફતેપુરા બુસ્ટર પરથી સવારનું પાણી વિતરણ કર્યાં બાદ કામગીરી શરૂ કરાશે. જેથી સાંજના સમયે પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ 23 ઓકટોબરના રોજ ફતેપુરા, જુનીગઢી અને વારસીયા બુસ્ટર પરથી પાણી હળવા પ્રેશરથી વિતરણ કરાશે. જેથી પાણીનો સંગ્રહ કરવાની સાથે કામગીરીમાં સહકાર આપવા પાલિકાએ વિનંતી કરી છે. આમ પાણીનો કાપ મુકાતા 80 હજાર લોકોને મુશ્કેલી પડશે.

એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો
આ ઉપરાંત વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં માંજલપુર દરબાર ચોકડી ચાર રસ્તા પાસે પાણીની લાઇન ઉપરના ભંગાણના સમારકામ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી તારીખ 20થી 30 ઓક્ટોબર સુધી પાણી લાઇનની સમારકામ પ્રક્રિયા કાર્યરત રહેવાની હોય એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જેથી પાલિકા તરફથી વાહનચાલકો માટે જાહેર નોટિસ થકી ડાયવર્ઝનની સૂચના આપવામાં આવી છે.

બે દિવસ દરમિયાન પાણીનો કકળાટ સર્જાવાની શક્યતા
આ કામગીરી વખતે બે દિવસ દરમિયાન પાણીનો કકળાટ સર્જાવાની શક્યતા છે. જોકે, તે અંગે પાલિકા તરફથી સત્તાવાર નોટિસ જાહેર કરી વધુ માહિતી પૂરી પાડીશું. તેમ પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...