તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોર્ડ પ્રવાસ:પદ્માવતી પાસેના પાર્કિંગ હટાવી રોડ પહોળો કરી બુલાર્ડ ફરીથી લગાવી દો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્શન વૉર્ડ નં.14 અને 16ની સમસ્યાઓ અંગે બેઠક યોજાઇ
  • ભાજપના હોદ્દેદારે રજૂઆત કરવી પડી,ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડો

મેયરના વૉર્ડ પ્રવાસ અંતર્ગત ઇલેક્શન વૉર્ડ નં.14 અને 16ને આવરી લેતા વહીવટી વૉર્ડ નં.1 અને 3માં મેયરે બેઠક યોજી હતી. જોકે વૉર્ડ 1માં ભાજપના એક હોદ્દેદાર દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો થતાં હોવાનો આક્ષેપ કરવાની સાથોસાથ પે એન્ડ પાર્ક દૂર કરવા માગ પણ કરવામાં આવી હતી.

કોર્પોરેશનના વહીવટી અને ચૂંટાયેલી પાંખ વચ્ચેના સંકલનના હેતુથી ઇલેક્શન વોર્ડ નંબર 14 ના વિસ્તારની સમસ્યાઓ માટે વહીવટી વોર્ડ એક ની કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને અને ડેપ્યુટી મેયર ઉપસ્થિતિમાં તેમજ વોર્ડ 16ની સમસ્યાઓ માટે વોર્ડ 3ની કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.

ઇલેક્શન વોર્ડ નંબર 14 હેઠળના વોર્ડ 1 માં યોજવામાં આવેલી બેઠકમાં કલ્યાણરાયજી મંદિર પાસે પાણીની લાઈન નવી નાખવી, નાગરવાડામાં ડ્રેનેજ લાઇનની કામગીરી તેમજ લહેરીપુરા દરવાજા પાસે વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવતાં મેયરે તેમાં ચોક્કસ કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. એટલું જ નહીં, આગામી દિવસોમાં લહેરીપુરા દરવાજા પાસે વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકશે તેવી ખાતરી પણ આપી હતી.

આ બેઠકમાં ભાજપના વૉર્ડ મહામંત્રી પાર્થ કંસારા દ્વારા પદ્માવતી શોપિંગ કોમ્પ્લેક્સ પાસેના પે એન્ડ પાર્ક કાઢીને રોડ પહોળા કરવા જોઈએ અને પદ્માવતી શોપિંગ કોમ્પ્લેક્સ પાસે જે બુલાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા તે ફરી લગાડવા જોઇએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. તેમણે ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના કારણે પણ મુશ્કેલીઓ પડી રહી છે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.

આ રજૂઆતના પગલે આગામી દિવસોમાં શહેરના ચાર દરવાજા વિસ્તારમાં નિર્ભયતા અંગેના વિકટ પ્રશ્ન અંગે ચોક્કસ બનાવવાની સૂચના આપી હતી અને પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે પણ બેઠક કરવા માટે પણ અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી.

તેવી જ રીતે વહીવટી વોર્ડ 3 ખાતે પણ બોર્ડ દ્વારા પૂરા થયેલા કામો અને નવા હાથ પર લેવામાં આવેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં વૉર્ડ ન.16ના કોંગી કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જવાનું ટાળ્યું હતું તો અલકા પટેલ દ્વારા ભાજપના લોકોને હાજર રાખવાની નીતિ સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...