વડોદરાના મેયરનું નિવેદન:'પશુ નિયંત્રણ કાયદો અમલમાં આવે તો રાહત મળી શકે, ઇજાગ્રસ્તોને વળતર આપવા બાબતે વિચારણા કરીશું'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેયર કેયુર રોકડિયા (ફાઇલ તસવીર) - Divya Bhaskar
મેયર કેયુર રોકડિયા (ફાઇલ તસવીર)
  • રખડતી ગાયોએ 3 દિવસમાં 4 લોકોને અડફેટે લીધા

વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ વધતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ મેયર કેયુર રોકડિયાએ સંવેદના વ્યક્ત કરવાની સાથે સમસ્યાના નિરાકરણ માટે પશુ નિયંત્રણ કાયદાનું અમલીકરણ અનિવાર્ય બતાવ્યું છે. સાથે રખડતા પશુઓના કારણે ઇજાગ્રસ્તોને વળતર આપવા બાબતે પણ વિચારણા હાથ ધરી છે.

રખડતા ઢોરોને કારણે લોકો ઇજાગ્રસ્ત થાય છે
વડોદરા શહેરમાં રખડતાં પશુઓના કારણે અકસ્માતના પગલે લોકો ઈજાગ્રસ્ત થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર લોકો ઇજાગ્રસ્ત બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. વાઘોડિયા રોડ ઉપર એક વિદ્યાર્થીએ રખડતાં પશુઓના કારણે આંખ ગુમાવ્યા બાદ વધુ બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત મંગળવારે પણ બાઈક સવાર પરિવારને ગાયે ભેટી મારતા બાઈક ચાલક અને 6 વર્ષની બાળકીને ઈજાઓ પહોંચી હતી.

વળતર બાબતે ધારાધોરણ નથી, તે અંગે ચર્ચા વિચારણા કરીશું
આ અંગે મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ઘટે છે અને તેમાં ઇજાગ્રસ્ત લોકો બાબતે તંત્રને સંવેદના છે. વડોદરા કોર્પોરેશન શક્ય તેટલી કામગીરી કરી રહ્યું છે. પશુ નિયંત્રણ કાયદો અમલમાં આવે તો રાહત મળવાની શક્યતા છે. વળતર બાબતે હાલ ધારાધોરણ નથી, તે અંગે ચર્ચા વિચારણા કરીશું.

CM સાથેની બેઠકમાં રજુઆત થઈ હતી,ગાય પકડવાનું કામ પાલિકાનું નહિ પણ પોલીસનું છે
તાજેતરમાં વડોદરામાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પાલિકાના હોદ્દેદાર અને અધિકારીઓની બેઠકમાં એક હોદ્દેદારે જણાવ્યું હતું કે ઢોર પકડવાનું કામ પોલીસનું છે, પાલિકાએ સાધન સામગ્રી પુરી પડવાની છે. ઢોર પકડવાની ડ્રાઈવ પોલીસે ઉપાડવી જોઈએ એવું કાયદો કહે છે. આઈપીસી હેઠળ પોલીસ કાર્યવાહી કરી શકે છે.

વિદ્યાર્થીને ભેટી મારનાર ગાય ન મળી, પોલીસ પાલિકાની શરણે
વાઘોડિયા રોડના હેનીલને 10 મેના રોજ ગાયનું શિંગડું વાગતાં તે ટુ-વ્હીલર પરથી નીચે પડી ગયો હતો અને તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી ગાયને શોધવાની કામગીરીના 15 દિવસ બાદ પણ ગાય ન મળી આવતા હવે પોલીસ પાલિકાની મદદ લેશે.

ત્રણ ઢોર ડબ્બાની કામગીરી માટે ઇજારો લંબાવવા દરખાસ્ત
3 ઢોર ડબ્બાની કામગીરીને આઉટ સોસિંગથી ચલાવવાના ઇજારાની મુદતમાં વધારો આપવા અંગેની દરખાસ્તને સ્થાયીમાં રજૂ કરાઇ છે. અગાઉ એક વર્ષ ઉપરાંતની મુદતને મંજૂરી મળી હતી. જોકે નવી જેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિલંબ થઇ રહ્યો હોવાથી આઉટસોર્સિંગની મુદતમાં વધારો કરવા ભલામણ કરાઇ છે.

અગાઉનો કાયદો ભેલાણનો હતો નવા કાયદાથી જ નિયંત્રણ આવે :એચ.એસ.પટેલ પૂર્વ મ્યુનિ. કમિશનર
​​​​​​​હું મ્યુનિ. કમિશનર હતો ત્યારે વિધાનસભામાં પસાર કરાયેલો કાયદાનો ડ્રાફ્ટ કાયદો વડોદરાથી મોકલ્યો હતો. જેના આધારે કાયદો ઘડાયો હતો. ગૌચરની બાબતનો કાયદો 1885નો છે. તે વખતે પાકના ભેલાણ માટે કાયદો બનાવ્યો હતો. એ કાયદાની જોગવાઇઓ અત્યારે રિલેવન્ટ નથી. નવા કાયદાની જરૂર છે. પાલિકા પાસે તો સત્તા ફક્ત ઢોર ડબ્બા નિભાવવાની અને ઢોર પકડી માલિક પાસેથી ફી વસુલી તેને છોડી મૂકવાની છે. અગાઉ ઢોર પકડવાની સત્તા કલેક્ટર - પોલીસને હતી. કલમ 69 અને 70 એક્ટમાં પોલીસને સત્તા છે. પરંતુ પોલીસ પાસે સમય જ નથી.

અન્ય સમાચારો પણ છે...