ભાસ્કર એક્સકલૂઝિવ:ગુજરાતમાં લેવાતા ભારે ટેક્સથી બચવા 800 લક્ઝરી બસોનું અન્ય રાજ્યોમાં રજિસ્ટ્રેશન

વડોદરાએક મહિનો પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુજરાતમાં મહિને રૂા.40 હજાર, જ્યારે અરુણાચલ પ્રદેશમાં માત્ર રૂા.2 હજાર જ ટેક્સ
  • પાસિંગ માટે બસ સંચાલકોનું અન્ય રાજ્યમાં ‘પાર્કિંગ‌’
  • નેશનલ પરમિટને મંજૂરી આપવાનું શરૂ કરાતાં બસ સંચાલકોને રાહત

ટ્રકની જેમ લક્ઝરી બસ પણ આખા દેશમાં ફરતી હોય છે, જેથી આ બસોને પણ ટ્રકની જેમ નેશનલ પરમિટ આપવાની માગણી એસોસિયેશન દ્વારા કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ સમક્ષ કરાઈ હતી, જેને 2019માં નોટિફિકેશન અને 2021માં મંજૂરી અપાઈ હતી. જેને પગલે ગુજરાતમાં બસ પર લેવાતા ભારે ટેક્સથી બચવા નેશનલ પરમિટ મેળવવા ગુજરાતની બસોને અન્ય રાજ્યમાંથી પાસિંગ કરાવવાનું શરૂ કરાયું છે. ગુજરાતમાંથી 800 જેટલી બસ અરુણાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ, ગોવામાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

રાજ્યના ટ્રાવેલ્સ યુનિયન દ્વારા સરકારને ટેક્સ ઘટાડવા રજૂઆત કરાઈ છે. અમદાવાદ સ્થિત અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના સેક્રેટરી રાજેન્દ્ર ઠાકરે જણાવ્યું હતું કે, લક્ઝરી બસની સીટ મુજબ પ્રત્યેક સીટનો એક મહિનાનો ટેક્સ આરટીઓમાં ભરવાનો હોય છે. ભારતનાં તમામ રાજ્યોમાં ટેક્સનું માળખું અલગ છે. અગાઉ નેશનલ પરમિટની મંજૂરી નહોતી ત્યારે અન્ય રાજ્યમાં જતી બસોએ જે તે રાજ્યમાં પરમિટ કઢાવી ત્યાંનો ટેક્સ ભરવો પડતો હતો. જોકે હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા નેશનલ પરમિટને મંજૂરી આપવા સાથે નવો નિયમ બનાવ્યો છે.

નવા નિયમ મુજબ એસી બસ માટે 3 લાખ અને નોન એસી બસ માટે 2 લાખ વાર્ષિક ટેક્સ ભર્યા પછી દેશમાં ગમે ત્યાં બસ ચલાવી શકાય છે. આ સાથે રાજ્ય સરકારનો ટેક્સ ભરવો પડે છે. ગુજરાતમાં 30 સીટથી ઉપરની બસમાં મહિને 39,500 જેટલો ટેક્સ થાય છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં આ ટેક્સ મહિને 2 હજાર જેટલો છે, દમણમાં મહિને રૂા.1500 જેટલો ટેક્સ થાય છે. જેને પગલે સંચાલકો દ્વારા બસોનું રજિસ્ટ્રેશન અન્ય રાજ્યોમાં કરાવાઈ રહ્યું છે.

સરકારને મહિને 1.40 કરોડ નુકસાનનો અંદાજ
આરટીઓના જાણકારો મુજબ ગુજરાતમાં હાલ 2 હજાર જેટલી લક્ઝરી બસ રજિસ્ટર થયેલી છે. 400 જેટલી બસ નવી ઉમેરાતી હોય છે અને જૂની સ્ક્રેપમાં જતી હોય છે. જે મુજબ ગણતરી કરતાં નવી બસો અન્ય રાજ્યમાં જાય તો સરકારને મહિને 1.40 કરોડ જેટલી ટેક્સની આવક ઓછી થવાનો અંદાજ છે.

વડોદરા આરટીઓમાં એક પણ સ્લિપર બસનું પાસિંગ નથી
વડોદરા આરટીઓમાં એક પણ સ્લિપર બસનું પાસિંગ અત્યાર સુધીમાં થયું નથી. ખાસ કરીને સ્લીપર બસ અમરેલી, ભાવનગર, સુરત જેવાં શહેરોમાં મોટા પ્રમાણમાં છે. વડોદરામાં અંદાજે 700 જેટલી બસનું રજિસ્ટ્રેશન થયેલું છે. વડોદરાથી ટુર ઓપરેટ કરતા ટ્રાવેલ્સ એજન્ટો પેસેન્જરોના રજિસ્ટ્રેશન મુજબ વડોદરા આરટીઓમાં તેમનું પાસિંગ કરાવીને પરમિટ મેળવતા હોય છે. વડોદરાથી ડેઇલી સર્વિસની લાઇનમાં ચાલતી બસ ખાનગી ઓપરેટરો દ્વારા છોટાઉદેપુર-રાજપીપળા જેવાં નજીકનાં શહેરોમાં જ ચાલે છે.

ટેક્સથી ટુરિઝમને માર પડે છે
ભારે ટેક્સને પગલે ટુરિઝમને માર પડે છે. કેન્દ્ર સરકારે વર્ષો જૂની નેશનલ પરમિટની માગ સ્વીકારી છે. રાજ્ય સરકારને ટેક્સ ઘટાડવા રજૂઆત કરી છે. - રાજેન્દ્ર ઠાકર, સેક્રેટરી, અખિલ ગુજરાત પ્રવાસન સંચાલક મહામંડળ

વડોદરાથી ડેઇલી બસ સર્વિસ નથી
ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ ડેઇલી સર્વિસ ચલાવનારા સંચાલકો કરાવી રહ્યા છે. વડોદરાથી એક પણ ડેઇલી બસ સર્વિસ નથી.અરુણાચલમાં સુરતની બસનું રજિસ્ટ્રેશન વધુ થયું છે. - સિદ્દીક દિવાન, વડોદરા ટુર એન ટ્રાવેલ્સ એસો.

અન્ય સમાચારો પણ છે...