વડોદરા શહેરના નવલખી મેદાનમાં આગામી 3 જૂને સાંજે 5થી 9 વાગ્યા દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને કાર્યક્રમ સ્થળ નવલખી મેદાનમાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજક કમલેશ પરમાર અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતમાં વસતો દરેક વ્યક્તિ હિન્દુ છે
ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છે, તે અંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે જણાવ્યું હતું કે, ભારત એ વર્ષોથી હિન્દુ રાષ્ટ્ર તરીકે જ ઓળખાતુ હતું અને હિન્દુ છે એ કોઇ ધર્મ નથી, હિન્દુ છે એ સામાજિક વ્યવસ્થાનો એક પ્રકાર છે. એ સંજોગોમાં એમણે જે માંગણી કરેલી છે. એ માંગણી એમના માધ્યમથી એમને કોઇ ઉચિત જગ્યા પર કરી હશે પણ આપણે તો સનાતન ધર્મમાં માનનારા લોકો છે. ભારતમાં વસવાટ કરતો દરેકે દરેક વ્યક્તિ એ પોતે હિન્દુ છે અને હિન્દુ પરંપરાની વાત આવતી હોય ત્યારે એમના માધ્યમથી એ લોકોને સારુ અને સુંદર માર્ગદર્શન આવનારા સમયમાં મળવાનું છે.
પાણી અને સરબતનું આયોજન
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બાગેશ્વરધામ સરકાર સેવા સમિતિ વડોદરા મહાનગર દ્વારા 3 જૂનના રોજ બાબના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર જિલ્લામાંથી 50 હજારથી 1 લાખ લોકો એમના દર્શન માટે પધારી શકે છે. તેને ધ્યાનમાં રાખીને તે પ્રકારનો ડોમ અને સામે બેસવા માટે ખુરશી સાથેની વ્યવસ્થા અને ભારતીય પરંપરા મુજબ બેઠકની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકો માટે પાણી અને સરબતની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે.
અમે સહયોગી છીએ
તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આજથી એમનો પહેલો દિવસ છે. સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટીલના માધ્યમથી કાર્યક્રમનું આયોજન થયું છે. અમદાવાદ અને રાજકોટના કાર્યક્રમ પછી તેઓ વડોદરા ખાતે આવશે. ગઇકાલે અમદાવાદમાં તેઓએ ખૂબ સરસ વાત કરી હતી કે, હવે ભાગવાનો નહીં પણ ભગવાનો સમય આવ્યો છે. બહુ સુચિત ઉક્તિ એમના માધ્યમથી થઈ છે. સનાતન ધર્મની પરંપરા સાથે જોડાયેલા છે અને હનુમાનજીના પરમ ભક્ત છે અને વડોદરા એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે ત્યારે કમલેશભાઇ પરમાર અને તેમની સમગ્ર ટીમ આયોજક તરીકે અને અમે સૌ તેમના સહયોગી તરીકે આ કાર્યક્રમમાં જોડાયા છે. વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ આયોજન સમિતિમાં જોડાયા છે.
ખુરશીમાં બેસવા રજીસ્ટ્રેશન જરૂરી
ડૉ. વિજય શાહે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરના તમામ લોકો આ કાર્યક્રમમાં પધારે, દિવ્ય દરબાર છે, નિશુલ્ક દરબાર છે. સાંજે 5થી 9ના સમયમાં આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર એવા લોકો કે જે લોકો પલાઠી વાળીને બેસી શકતા નથી, તેમના માટે રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. તે લોકોને એક નંબર આપવામાં આવ્યો છે, એ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. કેટલી ખુરશીઓની વ્યવસ્થા કરવી એ ખબર પડે એ માટે તેમના માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
તમામ પક્ષના લોકો સહકાર આપે છે
તેઓએ જણાવ્યું હતું કે, તમામ કાર્યક્રમ નિર્વિધ્ને પાર પડે તેના માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ અને ભગવાન ગણપતિને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં સમગ્ર વડોદરા શહેર-જિલ્લા અને મધ્ય ગુજરાતમાંથી સૌ લોકો દિવ્ય દરબારમાં પધારે એવી અમારી તમારા માધ્યમથી વિનંતી છે. 50 હજારથી 1 લાખ લોકો આ કાર્યક્રમમાં પધારે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. ભાજપ એ સહયોગી સંસ્થા નથી પણ ભાજપના કાર્યકરો સહયોગી છે. અન્ય પક્ષના અને અન્ય વિચારધારા સાથે જોડાયેલા લોકો ધાર્મિક કાર્યક્રમમાં સહકાર આપે છે.
ત્રીજી જૂનના કાર્યક્રમમાં સહકાર મળશે
છેલ્લે તેમણે કહ્યું હતું કે, વડોદરા શહેરની એ પરંપરા રહી છે કે, ‘શિવજી કી સવારી’નો કાર્યક્રમ હોય, જન્માષ્ટમીનો કાર્યક્રમ હોય, ગણપતિના પૂજનનો કાર્યક્રમ હોય એમાં રાજકીય વિચારધારાને બાજુએ મૂકીને સહયોગ આપતા હોય છે, એ જ પ્રકારનું વાતાવરણ આ ત્રીજી જૂનના કાર્યક્રમમાં પણ જોવા મળશે.
મુખ્યમંત્રીને કાર્યક્રમમાં લાવવાનો પ્રયાસ
દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમના વડોદરાના આયોજક કમલેશ પરમારે જણાવ્યું હતું કે, નવશક્તિ ગરબા મહોત્સવ અને અન્ય સંસ્થા દ્વારા જે બાબાજીને નવલખી ગ્રાઉન્ડમાં લાવવામાં આવી રહ્યા છે, ત્યાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 3 જૂને સાંજે 5થી 9 વાગ્યા દરમિયાન વડોદરા શહેરના મહાનુભાવો, સંતો, મહંતો, અધિકારીઓ લગભગ દરેક સંસ્થા અને ઉચ્ચ રાજ્ય સ્તરે અધિકારીઓ, મંત્રીઓ અને મુખ્યપ્રધાનને લાવવા સુધીનો પ્રયત્ન છે. બાબા મારા એક ગુરુજી અને પ્રેરણા સ્ત્રોત છે, તેઓને સંતની વ્યાખ્યામાં મૂકી શકાય. જેની જેવી આસ્થા હોય અને તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને મારા પ્રેરણાસ્ત્રોત અને ભગવાન જેવા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.