બે પરિવાર વચ્ચે ધિંગાણું:વડોદરામાં સગાઈ બાદ યુવકે લગ્ન કરવાની ના પાડી, વાતચીત માટે એકત્ર થયેલા બે પરિવાર વચ્ચે મારામારી અને તોડફોડ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • બંને પક્ષના એક-એક વ્યક્તિને ઈજા અને સામસામી 11 સામે ફરિયાદ નોંધાઈ

સગાઈ બાદ યુવકે લગ્ન કરવાની ના પાડતા સગાઈ તોડવા માટેની વાતચીત માટે એકત્ર થયેલા બે પરિવારના સભ્યો વચ્ચે ધિંગાણું સર્જાતાં મારામારી તથા મકાનમાં તોડફોડ સાથે બંને પક્ષના એક-એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. લક્ષ્મીપુરા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે પરિવારના 11 સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખોટા વહેમ અને શંકાના કારણે ઝઘડો થયા બાદ લગ્ન કરવાની ના પાડી
હિતેશ અશોકભાઈ માળી (રહે- વૈકુંઠ ફ્લેટ, સમતા, વડોદરા) એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, છ મહિના અગાઉ મહેશભાઈ માળી (રહે. સામદાસ ફળિયું, જયરત્ન બિલ્ડિંગ પાસે, નવાપુરા)ની દીકરી સાથે સગાઇ થઇ હતી. આ દરમિયાન અમે સાપુતારા તથા શિરડી પણ ફરવા ગયા હતા. છેલ્લા એકાદ મહિનાથી યુવતી તથા મારી વચ્ચે ખોટા વહેમ અને શંકાના કારણે ઝઘડો થયા બાદ લગ્ન કરવાની ના પાડી યુવતીના સંબંધીઓને મારા ઘરે બોલાવ્યા હતા. સગાઈ તોડવાની વાતચીત દરમિયાન ઝઘડો થતાં હું પોલીસ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. તે સમયે યુવતીના સંબંધીઓએ લાકડીઓ વડે મારા પિતા અશોકભાઈને ઈજા પહોંચાડી હતી. ઘરમાં તિજોરીના કાચ, દરવાજો તથા સીલીંગ ફેનની તોડફોડ કરી કમ્પાઉન્ડમાં પાર્ક બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે 9 સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સગાઈ તોડી નાખવાની બાબતે વાતચીત માટે ભેગા થયા હતા
સામા પક્ષે મહેશભાઈ કનુભાઈ માળીએ ફરિયાદ નોંધાવી હતી કે, મારી દીકરીની સગાઇ હિતેશ સાથે થયા બાદ અવાર-નવાર તેઓ બહારગામ ફરવા ગયા હતા. હિતેશ ખોટી રીતે સમાજમાં દીકરીને બદનામ કરતો હોય સગાઈ તોડી નાખવાની બાબતે વાતચીત માટે ભેગા થયા હતા. તે સમયે સબંધીઓએ દીકરી વિરુદ્ધ શબ્દો ઉચ્ચારતા મામલો તંગ બન્યો હતો અને હિતેશના માસીના દીકરા જયેશ કાળીદાસ માળીએ લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો. જ્યારે હિતેશે મને ગડદાપાટુનો મારમારી અપશબ્દો બોલી ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત બંને હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.