પરિવારનો હોબાળો:પોલીસ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગોધરામાં લોકઅપમાં આરોપીના આપઘાત કેસમાં પરિવારનો હોબાળો
  • મૃતદેહને પેનલ પીએમ માટે સયાજી હોસ્પિટલ ખાતે લવાયો હતો

ગૌમાંસ સાથે ઝડપાયેલા આરોપીએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં મૃતદેહને પેનલ પીએમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ ટોર્ચર કરનારા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે ત્યાર બાદ મૃતદેહને સ્વીકારવાની જીદ પકડી હતી. જેના પગલે મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે સેવાલિયાથી માંસનો જથ્થો લઈને આવતા ગોધરાના ઇદગાહ મહોલ્લામાં રહેતા કાસીમ અબ્દુલ્લા હયાતને પોલીસે ભામૈયા ઓવરબ્રિજ પાસે રોકી તેની અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરાવતાં ગૌમાંસ હોવાનું પ્રકાશમાં આવતાં તેની ધરપકડ કરી હતી. દરમિયાન ગુનામાં ઝડપાયેલા કાસીમ હયાતે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુરુવારે ચાદર વડે ગળેફાંસો ખાધો હતો. ઘટનાના પગલે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે કાસીમ હયાતના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પેનલ પીએમ માટે ખસેડ્યો હતો.

દરમિયાન શુક્રવારે સયાજી હોસ્પિટલમાં કાસમ હયાતના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું, પરંતુ પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મૃતકના સંબંધી યામીન બંગલીના જણાવ્યા પ્રમાણે પોલીસ તેને બે દિવસથી ટોર્ચર કરતી હતી અને માર મારતી હતી. તદુપરાંત 4 ફૂટના દરવાજા પર કેવી રીતે ગળેફાંસો ખાધો તે શંકાસ્પદ બાબત છે. જ્યાં સુધી પોલીસ વિભાગના સંબંધિત અધિકારી અને કર્મચારીઓ સામે કાયદેસરનાં પગલાં નહીં ભરાય ત્યાં સુધી તેઓ મૃતદેહને નહીં સ્વીકારે.પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં તેને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...