ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાના ઘરે VGLના એમડી સહિતના કર્મચારીઓએ પાડેલી રેડ હવે રાજકીય મુદ્દો બન્યો છે. શુક્રવારે સ્થાયીની બેઠકમાં મુદ્દો ચર્ચાતા શનિવારે ગેસ કંપનીની ઓફિસમાં 3 કલાકની મેરેથોન બેઠક મળી હતી. જેમાં કોર્પોરેશન અને ગેસ કંપનીમાં નોકરી કરતા એક અધિકારીના કેબિન પરથી તેના નામની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી હોવાની માહિતી મળી છે.
નવા મેયરની જાહેરાત થાય તે પૂર્વે દાવેદાર મનાતા ભાજપના કોર્પોરેટર અને જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના બંગલા પર ગેસ કંપનીના એમડી હિતેન્દ્ર ગર્ગ અને ટીમે રેડ કરી હતી. ચેકિંગમાં લાંબા સમયથી બિલ નહીં ભરાયું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બાબતે હવે રાજકીય રૂપ લીધું છે.
શુક્રવારે સ્થાયી સમિતિમાં એજન્સીને ઘરમાં ઘૂસી ચેકિંગ કરવાનું કોન્ટ્રાક આપવાનો વિરોધ થયો હતો. તેમજ રાજકીય કિન્નાખોરી રાખીને પરાક્રમસિંહને ત્યાં ચેકિંગ કરાયું હોવાના આક્ષેપ થયા હતા. VGLના ડિરેક્ટર અને પાલિકામાં એડિ. સીટી એન્જિનિયર શૈલેષ નાયકને સ્થાયી બેઠકમાં બોલાવી તતડાવ્યા હતા.
સૂત્રો મુજબ સ્થાયીમાં ચર્ચા બાદ શનિવારે VGLની ઓફિસ ખાતે અધિકારીઓની 3 કલાકની બેઠક મળી હતી. તે પહેલા પાલિકા અને વીજીએલમાં ફરજ બજાવતા એક અધિકારીના કેબિનની નેમ પ્લેટ હટાવી લેવાઈ હતી. આગામી સમયમાં અધિકારીને પાણીચુ અપાય તો નવાઈ નહિ. બેઠક અંગે એમડી હિતેન્દ્ર ગર્ગનો સંપર્ક કરતાં થઈ શક્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.