શહેરમાં કોરોનાના કેસ વધતાં ગોત્રી હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પેન્ડિંગ હોવાની બુમો ઉઠી હતી. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને 5 ટેકનિશિયન અને 3 ડેટા ઓપરેટરની ભરતી કરાઈ છે, જોકે કામનું ભારણ વધુ હોવાથી ઓપીડી વિભાગના સ્ટાફની પણ મદદ લેવાઈ હતી.
વડોદરામાં કોરોના કેસ વધતા ટેસ્ટિંગ કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. જેમાં શહેરના અલગ-અલગ અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરકારી હોસ્પિટલમાં થતાં આરટીસીઆરના નમુના ટેસ્ટિંગ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. જોકે ગોત્રી હોસ્પિટલમાં ચાર ચાર દિવસ સુધી હજારો રિપોર્ટ પેન્ડિંગ રહેતાં ભારે બૂમો ઊઠી હતી.
પેન્ડિગ રિપોર્ટના નિકાલ માટે ગોત્રી હોસ્પિટલ દ્વારા તાબડતોબ 5 ટેક્નિશીયન અને 3 ડેટા ઓપરેટરની ભરતી કરાઇ છે. હાલમાં પણ રિપોર્ટ પેન્ડિંગ છે જેનો નિકાલ થતા હજી એક દિવસ થશે. બીજી તરફ કામનું ભારણ ઘટાડવા માટે તંત્ર દ્વારા ગોત્રી હોસ્પિટલના ઓપીડીના સ્ટાફને કામે લગાડ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસ અગાઉ લેબમાં ઓછો સ્ટાફ હોવાથી રિપોર્ટ પેન્ડીંગ રહેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.