ભાજપાની યાદી જાહેર થતાં બબાલો શરૂ:વડોદરાની કરજણ બેઠક ઉપર બળવાના એંધાણ, વાઘોડિયા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ નક્કી, સાવલી અને ડભોઇમાં ખરાખરીનો જંગ

વડોદરા20 દિવસ પહેલા
કરજણ બેઠક ઉપરથી ટિકીટ ન મળતા પૂર્વ ભાજપા ધારાસભ્યએ પોતાના કાર્યાલયમાંથી બેનરો ઉતાર્યા
  • કરજણની ટિકીટ ન મળતા ભાજપાના પૂર્વ ધારાસભ્ય ટિકીટ લેવા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય જવા રવાના
  • કરજણના પૂર્વ ધારાસભ્યએ મોદી અને ભાજપાના બેનરો ઓફિસમાંથી ઉતારી લીધા
  • વાઘોડિયા બેઠક ઉપર ભાજપાએ ઉતારેલા ઉમેદવારથી તાલુકા ભાજપામાં નારાજગી

ભાજપા દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા બેઠક ઉપર હવે ત્રિપાંખીયો જંગ નક્કી થઇ ચૂક્યો છે. જ્યારે સાવલી અને ડભોઇ બેઠક ઉપર ભારે રસાકસી થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. નોંઘનીય છે કે, વાઘોડિયાના મતદારોમાં વર્તમાન ધારાસભ્યને બદલવા માટે માંગ ઉઠી હતી. ત્યારે ભાજપા મોવડી દ્વારા ઉમેદવાર બદલીને નવો આપતા મતદારો હવે ભાજપા સાથે રહેશે કે પછી ખીસ્સાના નાણાં ખર્ચીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા ઉમેદવાર સાથે રહેશે ? તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. તો બીજી બાજુ ભાજપા દ્વારા ટિકીટ ન અપાતા કરજણના પૂર્વ ભાજપા ધારાસભ્યએ પોતાના કાર્યાલયમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના બેનરો ઉતારી કોંગ્રેસમાંથી ટિકીટ મેળવવા અમદાવાદ તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું

કરજણ બેઠક ઉપર નવાજુની થવાના એંધાણ
કરજણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી આયાતી પરંતુ, ભાજપાની પેટા ચૂંટણીમાં જીતેલા વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને રિપીટ કરવામાં આવતા પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા)માં નારાજ થયા છે. તે સાથે તેમના સમર્થકો અને કાર્યકરોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. એવી પણ માહિતી મળી છે કે, સતીષ પટેલ (નિશાળીયા)એ પોતાના કરજણ સ્થિત કાર્યાલયમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો અને ભાજપાના બોર્ડ ઉતારી દીધા હતા. અને તેઓ કરજણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ટિકીટ મેળવવા માટે પોતાના સમર્થકો સાથે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

ધારાસભ્યની ટિકીટ કપાતા કાર્યકરો કાર્યાલય ઉપર ભેગા થયા.
ધારાસભ્યની ટિકીટ કપાતા કાર્યકરો કાર્યાલય ઉપર ભેગા થયા.

ભાજપા સામે વિરોધ નથી
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા બેઠક ઉપર ભાજપા દ્વારા ભાજપામાંથીજ ગત વિધાનસભાની ચૂંટણીમાં સસ્પેન્ડ કરાયેલા અને આ વખતે અપક્ષ ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી રીતે ફાયદો કરવા માટે બે વખત જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ચૂકેલા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલને ટિકીટ આપી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, વાઘોડિયા મતદારોના સર્વેમાં એવું સ્પષ્ટ બહાર આવ્યું છે કે, વાઘોડિયાના મતદારોને ભાજપા સામે વિરોધ ન હતો. પરંતુ, ભાજપાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે વિરોધ હતો. ત્યારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના મતદારો ભાજપા સાથે રહેશે કે પછી અપક્ષ અથવા કોંગ્રેસ ઉમેદવાર સાથે રહેશે. તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા).
ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા).

વાઘોડિયા તાલુકા ભાજપામાં નારાજગી
વાધોડીયાની બેઠક અંગે ભાજપામાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે, ભાજપા પાસે વાઘોડિયા બેઠક ઉપર ચૂંટણી લડાવવા માટે શિક્ષીત અને જિલ્લા ભાજપા મહામંત્રી રહી ચૂકેલા ધર્મેશ પંડ્યા જેવા પણ દાવેદારો હતા. પરંતુ, ભાજપાએ વાઘોડિયા બેઠક ઉપર છેલ્લા કેટલાંક સમયથી ખિસ્સાના નાણાં ખર્ચીને પ્રચાર કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા અને અપક્ષ ચૂંટણી લડી જીતવા માટે કમરકસી રહેલા અશિક્ષીત ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી રીતે ફાયદો કરાવવા માટે જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલને ટિકીટ આપી છે. ભાજપા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે વાઘોડિયા તાલુકા ભાજપામાં પણ નારાજગી જોવા મળી રહી છે.

કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ગામડા ખૂંદી રહ્યા છે
જોકે, ભાજપા સમર્થક મતદારો ઉમેદવાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઇને મત આપતા હોય છે. ત્યારે વાઘોડિયા બેઠક ઉપર ભાજપાના મતદારો જો ભાજપા દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર અશ્વિન પટેલ તરફે વોટ કરશે તો આ બેઠક ઉપર જમનારા ત્રિપાંખીયા જંગમાં અણધાર્યું પરિણામ આવશે. કારણ કે, કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ સાસંદ સત્યજીતસિંહ ગાયકવાડને ટિકીટ આપનાર હોવાનું નક્કી છે. અને સત્યજીતસિંહ ગાયકવાડે પણ છેલ્લા કેટલાંક સમયથી વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના 127 ગામડાઓ ખૂંદવાનું શરૂ કરી દીધું છે.

સાવલી બેઠક ઉપર સૌની મીટ
આ વખતની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની સાવલી બેઠક ઉપર પણ સૌની મીટ રહેશે. ભાજપા દ્વારા પુનઃ એક વખત સાવલી બેઠક ઉપરથી ચૂંટાઇ આવેલા અને પ્રજા વચ્ચે રહેનારા કેતન ઇનામદારને રિપીટ કર્યા છે. જોકે, તેઓને એન્ટીઇન્કમટન્સીનો સામનો કરવાનો વખત આવશે. સાવલી વિધાનસભા મત વિસ્તારમાં મતદારો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા ભાજપામાંથી કોંગ્રેસમાં આવેલા બરોડા ડેરીના ડિરેક્ટર અને ક્ષત્રીય સમાજના અગ્રમી કુલદીપસિંહ રાઉલજીને મેદાનમાં ઉતારનાર હોવાનું નક્કી છે. ત્યારે આ બેઠક ઉપર પણ ભાજપા અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સિધો જંગ રહેશે.

રસાકસી ભર્યો જંગ જામશે
તેજ રીતે ડભોઇની બેઠક ઉપર શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ચૂંટણીમાં પ્રતમ વખત ચૂંટણી લડ્યા હોવા છતાં, કોંગ્રેસના કદાવર નેતા સિધ્ધાર્થ પટેલ સામે પાતળી સરસાઇથી જીત મેળવી હતી. જોકે, ગત ચૂંટણીમાં હિંદુ-મુસ્લીમ ફેક્ટરનો મુદ્દો હતો. આ વખતે ભાજપાના ઉમેદવારો સામે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દો પડકાર રૂપ છે. બીજુ કે, કોંગ્રેસ દ્વારા ભાજપામાંથી સસ્પેન્ડ કરાયેલા અને કોંગ્રેસમાં આવેલા ભાજપાના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) સામે જંગ લડવાનો છે. કોંગ્રેસ દ્વારા બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને ટિકીટ આપશે તે પણ લગભગ નક્કી છે. ત્યારે ડભોઇ સીટ ઉપર પણ રસાકસીભર્યો જંગ રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

પાદરા ભાજપા-કોંગ્રેસ વચ્ચે જંગ
જ્યારે પાદરા બેઠક ઉપર ભાજપાએ પાદરા નગર પાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ટિકીટ આપી છે. ત્યારે પાદરા બેઠક ઉપર હવે કોંગ્રેસના વર્તમાન ક્ષત્રીય ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર (પઢીયાર) સામે ભાજપાના ક્ષત્રીય ઉમેદવાર વિજયસિંહ ઝાલા આવતા રસાકસી જામે તેવી શક્યતાઓને નકારી શકાય નહિં.

અન્ય સમાચારો પણ છે...