હવામાન:આગામી સપ્તાહમાં રાત્રે રિયલ ફિલ 6 ડિગ્રી વધવાની સંભાવના

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં બે દિવસથી ફૂંકાતા પવનોને કારણે ગરમીથી આંશિક રાહત અનુભવાઈ રહી છે. જોકે અરેબિયન સાગર પરથી આવતા ભેજયુક્ત પવનની સાથે ગરમી ભળતાં રાતના સમયે વધુ ઉકળાટ અનુભવાય છે. વાઘોડિયા રોડ પર બુધવારે સવારે 7.30 વાગ્યામાં વાદળો ઊમટી પડતાં અનોખું દૃશ્ય સર્જાયું હતું. - Divya Bhaskar
શહેરમાં બે દિવસથી ફૂંકાતા પવનોને કારણે ગરમીથી આંશિક રાહત અનુભવાઈ રહી છે. જોકે અરેબિયન સાગર પરથી આવતા ભેજયુક્ત પવનની સાથે ગરમી ભળતાં રાતના સમયે વધુ ઉકળાટ અનુભવાય છે. વાઘોડિયા રોડ પર બુધવારે સવારે 7.30 વાગ્યામાં વાદળો ઊમટી પડતાં અનોખું દૃશ્ય સર્જાયું હતું.
  • અરેબિયન સાગર પરના ભેજવાળા પવનથી રાત્રે વધુ ગરમીનો અનુભવ

શહેરમાં 2 દિવસથી પવનોની દિશા બદલાઈને દક્ષિણ-પશ્ચિમની થતાં અરેબિયન સાગર પરથી ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. જેને પગલે રાત્રે ભેજ અને ગરમી ભેગી થતાં પારો 37 ડિગ્રી પહોંચી જાય છે, પરંતુ 39 ડિગ્રી જેટલી અકળાવી નાખે તેવી ગરમી લાગે છે. આગામી અઠવાડિયામાં ભેજનું પ્રમાણ વધતાં રાત્રે ગરમીનું પ્રમાણ પણ વધશે.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા અનુસાર વડોદરામાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો અરેબિયન સાગર ઉપરથી આવતા હોવાથી ભેજ લઈને આવે છે. બપોર સુધી ગરમ પવનો ફૂકાયા બાદ આ ભેજયુક્ત પવનો થોડી ઠંડક આપે છે. જોકે જેમ રાતે ગરમી અને ભેજ ભેગા થતાં ગરમીનું પ્રમાણ વધે છે. આગામી સપ્તાહમાં ભેજ વધતાં રાત્રે ગરમી વધશે.

બુધવારે મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી રહ્યું હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમથી 18 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. ભેજનું પ્રમાણ 56 ટકા રહ્યું હતું. ગુરુવારે પારો 42 ડિગ્રી રહેવા તેમજ રવિવાર બાદ પારો 40 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.

પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

હવામાન શાસ્ત્રીના જણાવ્યા અનુસાર જૂનના પ્રથમ અઠવાડિયાથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જેના પગલે ભેજયુક્ત પવનો વધુ ફૂંકાશે. ભેજ અને ગરમી ભેગા થતાં બફારો સર્જાય છે. જે પ્રી-મોન્સૂન એક્ટિવિટીની જ અસર ગણાય છે. અંકિત પટેલે જણાવ્યું કે, અરેબિયન સાગર એક બેઝીન બની રહ્યું છે. આ બેઝીનમાં જૂનના પ્રથમ સપ્તાહમાં જ બે અપર સર્ક્યુલેશન બનવાની સંભાવના છે. આ બે અપર સર્ક્યુલેશનમાંથી એક સર્ક્યુલેશન સ્ટ્રોંગ બનવાની સંભાવના છે. આ સર્ક્યુલેશન કઈ દિશામાં આગળ વધે છે તે આગામી સમયમાં ખબર પડશે. જોકે આના પગલે આગામી રવિવાર પછી વડોદરામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે આવી જવાની સંભાવના છે.

છેલ્લા 2 દિવસથી રાત્રીના સમયે વધુ ગરમી અનુભવાઈ
25 મે : રાત્રે 8:30 વાગે 
ઓરિજિનલ 37.6 ડિગ્રી }રીઅલ ફિલ 39 ડિગ્રી
રાત્રે 11: 30 વાગે 
ઓરિજિનલ 33.2 ડિગ્રી }રીઅલ ફિલ 36 ડિગ્રી
26 મે : રાત્રે 8:30 વાગે 
ઓરિજિનલ 35.2 ડિગ્રી }રીઅલ ફિલ 38 ડિગ્રી
રાત્રે 11:30 વાગે 
તાપમાન 31.6 ડિગ્રી } રીઅલ ફિલ 33 ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...