ધર્માંતરણ અને ફન્ડિંગ કેસ:આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમને લઈ યુપી પોલીસ વડોદરા કોર્ટમાં પહોંચી, આરોપીઓની કસ્ટડી મેળવાશે

વડોદરા2 મહિનો પહેલા
પોલીસ આરોપીઓને લઈને વડોદરા પહોંચી.
  • ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી બંને આરોપીનો વડોદરા પોલીસ કબજો મેળવાશે
  • બંનેની પૂછપરછ બાદ સિમીના શકમંદો અંગે પણ તપાસ કરવામાં આવશે

ધર્માંતરણ અને ફન્ડિંગ કેસમાં ઝડપાયેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમને લઈને યુપી પોલીસ વડોદરા કોર્ટમાં પહોંચી હતી. વડોદરા એસઓજી કચેરી ખાતે બંને આરોપીને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખી તેમના મેડિકલ ટેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ મેળવવામાં આવશે. વડોદરા એસઓજીના અધિકારીઓ દ્વારા આફમી ટ્રસ્ટ અને સીમી વચ્ચે ધર્માંતરણ મામલે નાણાકીય લેવડ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સિમીના નિષ્ક્રિય ચાર કાર્યકરો સાથે સંપર્કો હોવાનું બહાર આવ્યું છે
પોલીસ પણ શહેરમાં સાઇલન્ટ મોડ પર રહેલા સિમીના કાર્યકરો પર વોચ રાખી રહ્યા છે. ત્યારે સલાઉદ્દીન અને ઉમર ગૌતમના રિમાન્ડ લીધા બાદ આરોપીઓએ શહેરના કયા સિમીના કાર્યકરો સાથે નાણાકીય લેવડદેવડ કરી હતી એની પૂછપરછ બાદ જ સિમી કનેક્શન અંગે વધુ હકીકત બહાર આવશે. જોકે અત્યારસુધી પોલીસ દ્વારા એકપણ સિમીના કાર્યકરની અટક કે પૂછપરછ કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં સલાઉદ્દીન અને મોહંમદ મન્સૂરીના વડોદરામાં સિમીના નિષ્ક્રિય ચાર કાર્યકર સાથે સંપર્કો હોવાનું બહાર આવ્યું છે.

આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમની ફાઈલ તસવીર.
આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમની ફાઈલ તસવીર.

કેટલી વખત હવાલા દ્વારા નાણાં મોકલવામાં આવ્યાંની તપાસ થશે
ઉલ્લેખનીય છે કે આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીનને ફન્ડિંગ કરનારો યુકેનો રહેવાસી અબ્દુલ ફેફડાવાલાને પણ 18 ઓક્ટોબરના રોજ પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આફમી ચેરિટેબલ ટ્રસ્ટને અલફલાહ ટ્રસ્ટના ટ્રસ્ટી અબ્દુલા ફેફડાવાલાએ કેવી રીતે અને કઈ રીતે ફન્ડિંગ કર્યું હતું તેમજ કેટલી વખત હવાલા દ્વારા નાણાં મોકલવામાં આવ્યાં હતાં એની પણ પોલીસ તપાસ કરશે.બન્નેને વડોદરામાં લાવવામાં આવ્યા બાદ તેમની પૂછપરછમાં વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે એમ મનાઇ રહ્યું છે.

યુપી પોલીસ પાસેથી આરોપીઓનો કબજો મેળવવામાં આવશે.
યુપી પોલીસ પાસેથી આરોપીઓનો કબજો મેળવવામાં આવશે.

સલાઉદ્દીન શેખને 5 વર્ષમાં હવાલા અને મની લોન્ડરિંગથી 60 કરોડ મળ્યા હતા
ધર્માંતરણ, સરકારવિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા માટે સલાઉદ્દીન શેખ સહિતના આરોપીઓને 5 વર્ષમાં હવાલા અને મની લોન્ડરિંગ મારફત રૂા.60 કરોડ મળ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. એમાંથી રૂા.19 કરોડ સલાઉદ્દીને પોતાની આફમી ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ મેળવ્યા હતા. સલાઉદ્દીન શેખ અને મેમ્બરોનું જમ્મુ-કાશ્મીર, ભરૂચ અને સુરતમાં પણ કોન્ટેક્ટ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે બંને આરોપીને લઈને આવી યુપી પોલીસ.
ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે બંને આરોપીને લઈને આવી યુપી પોલીસ.

103 મસ્જિદોને રૂા.7.50 કરોડનું ફંડિંગ કર્યું હતું
હવાલાના રૂપિયાથી દેશની 103 મસ્જિદોને રૂા.7.50 કરોડનું ફંડિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી આસામમાં-3 મસ્જિદ, ગુજરાતમાં- 8 મસ્જિદ, મહારાષ્ટ્રમાં-45 મસ્જિદ, મધ્યપ્રદેશમાં-17 મસ્જિદ અને રાજસ્થાનમાં-30 મસ્જિદને ફંડિંગ કરવામાં આવ્યું હતું.