વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ પ્રચારના અંતિમ દિવસે આજે બાઈક રેલીઓ યોજી હતી. શેરપુરા ગામમાં બંને પક્ષની રેલીઓ અમને-સામને આવી ગઈ હતી અને બે બાઈક પર બંને પક્ષના ઝંડા લગાડેલા હતા. બંને પક્ષના ઝંડાઓ અથડાતા કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને જોતજોતામાં જ મારામારી શરૂ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલો ઉગ્ર બનતા સાવલી પોલીસ અને CRPFના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો. જેમાં અનેક કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હતા.
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
સાવલી વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોનો આજે પ્રચાર ચાલી રહ્યો હતો, ત્યારે આજે પ્રચારના અંતિમ દિવસે બંને પક્ષની બાઈક રેલી સમગ્ર તાલુકામાં રૂટ પ્રમાણે કાઢવામાં આવી હતી. દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં બંને પક્ષોની બાઈક રેલી ચાલી રહી હતી. મોડી સાંજે સાવલી તાલુકાના શેરપુરા ગામ પાસે બંને પક્ષોની બાઇક રેલી સામસામે આવી ગઈ હતી. તેવામાં બે બાઇક પર બંને પક્ષોના લગાડેલા ઝંડા સામસામે અથડાયા હતા. જેથી બંને બાઈક સવારો વચ્ચે બોલાચાલી થઈ હતી, તેવા સમયે અન્ય બાઇક ચાલકો પણ ઉમટી પડ્યા હતા અને મામલો ઉગ્ર બનતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી.
પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો
સાવલી પોલીસને જાણ થતાં સાવલી પોલીસ તેમજ CRPFના જવાનો બનાવ સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ, મામલો ઉગ્ર બની ગયો હતો, જેથી પોલીસને મામલો થાળે પાડવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ મામલે હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી.
બંને પક્ષ વચ્ચે આક્ષેપબાજીઓ થઈ હતી
બંને પક્ષના ઉમેદવાર દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો તેમજ એકબીજા ઉપર ખુલ્લેઆમ જાહેર સભાઓમાં આક્ષેપબાજી કરવામાં આવી રહી હતી, તેનાથી જણાતુ હતું કે, ચૂંટણી દરમિયાન પરિસ્થિતી બગડશે અને પ્રચારના અંતિમ દિવસે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.
ધારાસભ્ય ખનન માફિયા હોવાનો આક્ષેપ થયો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર છે. તો બીજી તરફ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કુલદિપસિંહ રાઉલજીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કુલદિપસિંહે 10 દિવસ પહેલા જ મેવલી ગામ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કેતન ઇનમાદાર નોકરી વાંચ્છુકોને બંગલે બોલાવી ચા પીવડાવી ધક્કા ખવડાવે છે. તેમને ખબર છે કે, તે યુવકો બે કે ત્રણ વખત ધક્કાખાઇ પછી પાછા નહીં આવે. મહીસાગર નદીમાં જે રેતી ખનન થઇ રહ્યું છે તેમાં વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા આપણા ધારાસભ્ય છે.
ચાર ટર્મથી બરોડા ડેરીના ડિરેક્ટર
કુલદીપસિંહ રાઉલજી વર્ષોથી ભાજપાના સક્રિય કાર્યકર રહ્યા હતા. તેઓ વર્ષ-2009થી બરોડા ડેરીના ડિરેક્ટર છે. ઉપરાંત વર્ષ- 2013 થી 2016 સુધી ડેસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં ડિરેક્ટર પદે અને વર્ષ-2016 થી 2021 સુધી ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. વર્ષ-2003 થી 2008 સુધી વેજપુર ગ્રામ પંચાયતમાં ઉપ-સરપંચ, વેજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી છે. તે સાથે ક્ષત્રિય સમાજમાં સક્રિય છે.
ભાજપે કેતન ઇનામદારને રિપીટ કર્યાં છે
ભાજપે સિટીંગ ધારાસભ્ય કેતન ઇનામદારને રિપીટ કર્યાં છે. કેતન ઇનામદારને 2012માં અપક્ષ ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ ભાજપે કેતન ઈનામદારને 2017માં ટિકિટ આપી ને તેઓ ફરી સાવલીના MLA બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.