દરોડો:રતનપુર ગ્રામ પંચાયતના સભ્ય રાકેશ જયસ્વાલનું 19.6 લાખનું 457 પેટી દારૂ ભરેલું કન્ટેનર ઝબ્બે

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે કન્ટેનરમાંથી કટિંગ સમયે દરોડો પડતાં તમામ આરોપીઓ ફરાર થઈ ગયા
  • રતનપુર એસ્ટેટમાં કટિંગ થતંુ હતું : રાકેશ જયસ્વાલ સહિત 6 આરોપીઓ વોન્ટેડ જાહેર

રતનપુર એસ્ટેટ પાસે ખુલ્લી જગ્યામાં ગુરૂવારે મોડી રાતે કંટેનરમાંથી દારૂના કટીંગ દરમિયાન વરણામા પોલીસે દરોડો પાડી રૂા.19.06 લાખની 467 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂ રતનપુરના નામચીન બુટલેગર અને ગ્રામ પંચાયતના સભ્ય રાકેશ જયસ્વાલે મંગાવ્યો હતો. પોલીસે કુલ 6 વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

વરણામા પોલીસને ગુરૂવારે મોડી રાતે બાતમી મળી હતી કે, રતનપુર ગામે રહેતો નામચીન બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલે બહારથી બંધ બોડીવાળા કન્ટેનરમાં વિદેશી દારૂ મંગાવ્યો છે. આ કંટેનર હાલ રતનપુરથી શંકરપુરા ગામે જવાના રોડ પર રતનપુર એસ્ટેટમાં આવેલી સાઈન ઈન્ડસ્ટ્રીઝ પાસેની ખુલ્લી જગ્યામાં લઇ જઇ રાતના અંધારામાં કટીંગ કરી અલગ અલગ જગ્યાએ વિદેશીદારૂનો જથ્થો મોકલવાનો છે.

પોલીસે બાતમીના આધારે સ્થળ પર પહોચતા કંટેનર આવી ગયું હતું અને તેમાંથી કટીંગ ચાલી રહ્યું હતું. તે જ સમયે દરોડો પાડતા સ્થળ પર કંટેનર સાથે બે બોલેરો પીકઅપ, સફેદ ઈકો અને એક્ટિવા પડ્યું હતું. જ્યારે તમામ લોકો પોલીસ આવવાની જાણ થતા ભાગી ગયા હતાં. પોલીસે તપાસતા કંટેનર, બોલેરો અને ઈકો કારમાં વિદેશી દારૂની રૂા.19.06 લાખની 467 પેટીમાં 13,872 નંગ વિદેશી દારૂની બોટલો, ક્વાટર અને બીયરના ટીન મળી આવ્યાં હતાં. પોલીસે દારૂ અને વાહનો સાથે કુલ રૂા.50.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રાકેશ જયસ્વાલ, કંટેનરના ચાલક, બોલેરોના ચાલક, એક્ટિવાનો ચાલક અને દારૂ મોકલનાર આરોપી સહિત કુલ 6 વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસને કંટેનરના કેબીનમાંથી શ્રેયા એન્ટરપ્રાઈઝનું પેટ સ્ક્રેપ બંડલનું બીલ મળ્યું હતું. જેમાં કસ્ટમર એડ્રેસમાં શ્રેયા એન્ટરપ્રાઈઝ, રૂમ નંબર 9, જોગેશ્વરી ઈસ્ટ, મુંબઈ તેમજ રીસીવર તરીકે ન્યુ અહેમદાબાદ ટ્રેડર્સ, હરનવાલી પોળ નાખા, પાંચકુવા, ખાડીયા દર્શાવ્યું હતું. પોલીસને યુપી પાર્સીંગના કંટેનરના કાગળ તપાસતાં વાહનનો માલિક ગુલામ મોહંમદ મહંમદહારૂન (રહે-લાલબારા, યુપી) હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનિય છે કે, રતનપુરના જયસ્વાલ બંધુઓ રાકેશ અને પપ્પુ જયસ્વાલે પોલીસ ઉપર હુમલા કર્યાં હોવાનું ચોપડે નોંધાયેલું છે.

અન્ય સમાચારો પણ છે...