વડોદરા હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:રાજુ ભટ્ટના મગરના આંસુ, કહ્યુ, ‘મેં દુષ્કર્મ નથી કર્યું, જે કંઈ થયું તે સહમતિથી થયું’

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જૂનાગઢથી પકડાયેલા પાવાગઢ મંદિરના ટ્રસ્ટીની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 6 કલાક સુધી પૂછપરછ કરી
  • નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વખત સંબંધ બાંધ્યાની કબૂલાત, આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની પણ તપાસ થશે
  • પીડિતાને અત્યાર સુધીમાં પાંચથી છ વખત મળ્યો હોવાનું અને અન્ય આરોપી અશોક જૈનને ઓળખતો ન હોવાનું રાજુ ભટ્ટનું રટણ

ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે છ કલાક સુધી પ્રાથમિક પુછપરછ કરીહતી જેમાં તેણે પોતે નિર્દોષ હોવાનું ગાણુ ગાયું હતું અને કહ્યું હતું કે તેણે પિડીતા પર કોઇ પ્રકારનું દુષ્કર્મ કર્યું ન હતું અને જે કંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું. રાજુએ નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વાર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી. આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. જૂનાગઢથી ઝડપાયા બાદ પોલીસે હાલ રાજુ ભટ્ટની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે ત્યારે તેની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઇ રહ્યું છે. ફરિયાદ દાખલ થયા બાદ લાંબા સમય સુધી ફરાર રહેલા રાજુ ભટ્ટને અન્ય કેટલા લોકોએ મદદ કરી છે ? તેની પણ પૂછપરછમાં વિગતો સપાટી પર આવશે.

બળજબરીથી દુષ્કર્મ કર્યાના આક્ષેપ ફગાવ્યાં
દુષ્કર્મ કેસના 8 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ પોલીસની મદદથી જુનાગઢ માંથી રાજુ ભટ્ટને ઝડપી વડોદરા લાવી હતી. પોલીસે બુધવારે તેની છ કલાક સુધી પ્રાથમિક પુછપરછ કરી હતી જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે પિડીતાને અત્યાર સુધી 6 થી સાત વાર મળ્યો હતો. જો કે તેણે બળજબરીપુર્વક પિડીતા સાથે દુષ્કર્મ કર્યો હોવાના આરોપને પોલીસ પુછપરછમાં ફગાવી દીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે મે પિડીતા સાથે કોઇ પણ પ્રકારનું દુષ્કર્મ કર્યું ન હતું અને જે કંઇ થયું હતું તે પરસ્પર સંમતીથી થયું હતું. પોતે નિર્દોષ છે તેમ તે સતત પોલીસને કહી રહ્યો હતો. પોતે અશોક જૈનને પણ ઓળખતો ના હોવાનો તેણે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો.

પોલીસે ઉલટતપાસ કરી
પોલીસે તે વડોદરા છોડીને કયા કયા ગયો હતો અને કોણે કોણે તેની મદદ કરી હતી તે વિશે પણ રાજુ ભટ્ટની પુછપરછ કરી હતી. તે વડોદરા છોડીને અમદાવાદમાં પોતાના ડ્રાઇવર સાથે કયા કયા ગયો હતો અને કાનજીએ તેને કઇ પ્રકારની મદદ કરી હતી તે સહિતના મુદ્દા પર તેની પુછપરછ કરાઇ હતી. તે પોતાના પરિવાર સાથે સંપર્કમાં હતો કે કેમ અને અન્ય કોના સંપર્કમાં હતો તે વિશે પણ પોલીસે પ્રાથમિક પુછપરછ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

રાજુ ભટ્ટના પરિવારના સભ્યો તથા વેવાઇ તથા તેને અમદાવાદ લઇ જનારા ડ્રાઇવર મળીને ચારથી પાંચ જણાને મંગળવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચમાં લવાયા બાદ તમામની ઉંડી પુછપરછ કરાઇ હતી . રાજુ ભટ્ટ વડોદરાથી ભાગીને કયાં કયાં ગયો હતો અને તેમને શું જાણકારી હતી તે સહિતના મુદ્દા પર તમામની પુછપરછ કરાઇ હતી. પરિવારના મહિલા સભ્યોને મધરાતે ઘેર જવા દેવાયા હતા અને સવારે ફરીથી પોલીસે તમામને બોલાવી પુછપરછ કરી હતી.

અશોક જૈન
અશોક જૈન

અશોક જૈનના વોરંટની અરજી વિડ્રો, આગોતરાની સુનાવણી હવે 4થીએ થશે
દુષ્કર્મ કેસમાં અશોક જૈન ફરાર હોવાના કારણે પોલીસે અદાલતમાં તેનું સીઆરપીસી 70 મુજબના વોરંટની માંગણી કરી હતી. સુનાવણીમાં અદાલતના ધ્યાન પર આવ્યું હતું કે, આરોપીએ આગોતરા જામીન અરજી મુકી છે અને ત્યાર બાદ અદાલતનું વલણ જોતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ સીઆરપીસી 70 મુજબની અરજી વિડ્રો કરી હતી. જો કે, અધિકારીના જણાવ્યા મુજબ જામીન અરજીનો ઓર્ડર થયા બાદ તેના આધારે વોરંટ મેળવવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈને હાલ આગોતરા જામીન અરજી મુકી છે અને તેની સુનાવણી આજે થવાની હતી. જો કે, તપાસ અધિકારીએ દુષ્કર્મ કેસના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોય તેની તપાસમાં પોલીસ વ્યસ્ત હોવાના કારણે સોગંદનામુ રજૂ કરવા માટે મુદતની માંગણી કરતાં ન્યાયાધીશે અરજીની વધુ સુનાવણી તા.4ના રોજ રાખવાનું ઠરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...