વડોદરા હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:પોલીસે કહ્યું, ‘ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં આખી રાત રાજુ ભટ્ટ ચિંતાજનક ચહેરે રડતો રહ્યો’

વડોદરા2 મહિનો પહેલા
આરોપી રાજુ ભટ્ટની તસવીર.
  • મધરાતે 12-30 વાગે રાજુને સયાજીમાં કોરોના ટેસ્ટ માટે લઈ જવાયો
  • પોલીસના હાથમાં આવ્યા બાદ રાજુ પોલીસ પૂછે એટલો જ જવાબ આપતો હતો

શહેરના ચકચારભર્યા ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા પાવગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ પાસેથી કબજો મેળવીને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મંગળવારે બપોરે 3 વાગે જૂનાગઢથી વડોદરા રવાના થઇ હતી અને રાત્રે 10-45 વાગે તેને ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં લવાયો હતો. પોલીસથી બચવા 8 દિવસ સુધી ભાગેલો રાજુ ભટ્ટ પોલીસને ચકમો આપવાની તૈયારીમાં હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો, જેથી તે બેચેન બની ગયો હતો. જૂનાગઢથી વડોદરા સુધીના 7થી 8 કલાકની લાંબી સફરમાં રાજુ ભટ્ટ મૌન બનીને બેસી રહ્યો હતો. અને પોલીસ પુછે તેટલો જ જવાબ આપતો હતો.

તેનો ચહેરો ચિંતાતુર જણાતો હતો અને ઢીલો પડી ગયો હતો. તેણે કંઇ પણ ખાવાનો પણ ઇનકાર કર્યો હતો. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે રાત્રે 11 વાગે ક્રાઇમ બ્રાન્ચમાં લવાયા બાદ આખી રાત તેણે પોલીસ લોકઅપમાં ચિંતાતુર ચેહેરે રોતા રોતા વિતાવી હતી. તે કંઇ પણ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતો. વૈભવશાળી જીવન જીવતા રાજુ ભટ્ટને કલ્પના પણ ન હતી કે તેને લોકઅપમાં જવું પડશે જેથી તે લોકઅપમાં બોલ્યા વગર જ બેસી રહ્યો હતો. મધરાતે 12-30 વાગે તેને કોરોના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને એકથી દોઢ કલાક બાદ તેને પરત ક્રાઇમ બ્રાન્ચમાં લવાયો હતો.

ધરપકડ બાદ રાજુ ભટ્ટને મેડિકલ ટેસ્ટ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવાયો
બુધવારે પોલીસે રાજુ ભટ્ટની ધરપકડ કર્યા બાદ સાંજે તેને પહેલાં એસએસજી હોસ્પિટલમાં મેડીકલ પરિક્ષમ માટે લઇ જવાયો હતો અને ત્યારબાદ તેને ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. દુષ્કર્મની ફરિયાદ હોવાથી તેને લગતી તપાસ કરાવવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...