ગુજરાત મેલમાં ધિંગાણું:રાજસ્થાની પરિવાર પર યુવકોનો ટ્રેનમાં બેસવા માટે બેટથી હુમલો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ક્રિકેટ રમવા આવેલા સુરતના યુવકોનું ગુજરાત મેલમાં ધિંગાણું
  • પરિવારે ચેઇન પુલિંગ કરી ટ્રેન રોકી, 6 યુવકોની ધરપકડ

ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ક્રિકેટ મેચ રમવા આવેલા યુવકોએ બેસવાની બાબતે રાજસ્થાનના પરિવાર સાથે તકરાર કરતાં મામલો બીચક્યો હતો. જેમાં એક હુમલાખોરે પરિવારના યુવક પર બેટથી હુમલો કરીને તેનો મોબાઈલ ફોન ટ્રેનમાંથી ફેંકી દેતાં અફરાતફરી મચી હતી. દરમિયાન પરિવારના સભ્યે ચેઇન પુલિંગ કરી ટ્રેનને રોકી હતી. રેલવે પોલીસે ગુનો નોંધી 6 જણાંની ધરપકડ કરી હતી.

રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જગદીશ શિવલાલ સોની (મૂળ જૂના પોસ્ટ સાદડી, જિ.પાલી, રાજસ્થાન) 29મી મેના રોજ રાત્રે વડોદરા સ્ટેશન ખાતેથી ગુજરાત મેલ એક્સપ્રેસના જનરલ કોચમાં બેઠા હતા. જગદીશ સોની અને તેમના પરિવારના 4 સભ્યો કોચના ઉપરના પાટિયા પર બેસી ગયા હતા. આ વેળા 15થી 16 મુસાફરો બેટ સાથે કોચમાં ચડ્યા હતા. તેમાંના એક યુવકે જગદીશ સોનીને કહ્યું હતું કે, પાટિયા પર અમને બેસવા દો. જેથી જગદીશ સોનીએ કહ્યું હતું કે, અમને પણ બેસવા દો.

જે બાદ યુવક અને સાગરીતો ઉશ્કેરાઈ ગયા હતા. જેમાં એક યુવકે જગદીશ સોનીના ભાઈ મહેશના માથામાં બેટ મારી દીધું હતું, જેથી તે લોહીલુહાણ થઇ ગયો હતો. અન્ય એક યુવકે મહેશનો મોબાઈલ ફોન કોચની બારીમાંથી ફેંકી દીધો હતો. કોચમાં અફરાતફરી મચી જતાં જગદીશ સોનીએ ચેઇન પુલિંગ કર્યું હતું જેને પગલે ટ્રેન ઊભી રહી ગઇ હતી.

ત્યારબાદ ટ્રેન ભરૂચ ખાતે પહોંચતાં જ રેલવે પોલીસ ફરિયાદી જગદીશ સોની અને હુમલાખોર યુવકોને લઇને પોલીસ મથકે ગઇ હતી. જ્યાં જગદીશ સોનીની ફરિયાદને આધારે વડોદરા રેલવે પોલીસે કૃતિક ખંભાતી, સાગર બંકોરિયા, વિનય ખારવા, વિપુલ હરજીવાલા, સુમિત ખંભાતી અન રાજેશ ખંભાતી (તમામ સુરત)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. હુમલાખોરો વડોદરા ખાતે મેચ રમવા આવ્યા હોવાનું પોલીસે કરેલી તપાસમાં ખૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...