નવતર પ્રયોગ:રેલવે ત્રણ વર્ષમાં ધો.10 પાસ 50 હજાર યુવકોને તાલીમ આપીને રોજગારની ગાડી પાટે ચઢાવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા ઉપરાંત અમદાવાદ, દાહોદ ખાતે ટ્રેનિંગ શરૂ: વિદ્યાર્થીઓને ફ્રી ટુલ કિટ અપાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના યુવાનો પગભર થઈ શકે અને પોતાનો રોજગાર જાતે મેળવી શકે તે માટે કરેલા આદેશને પગલે ભારતીય રેલવે દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. રેલ કૌશલ વિકાસ યોજના અંતર્ગત દેશના યુવાનોને વિવિધ ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપવામાં આવશે. રેલવેના 75 જેટલા સંસ્થાન ખાતે અંદાજે 50 હજાર યુવાનોને 3 વર્ષમાં ટ્રેઇન કરવાનું આયોજન હાથ ધરાયું છે. ધોરણ 10 પાસ અને 18 થી 35 વર્ષની ઉંમરના યુવાનોને આ ટ્રેનિંગ આપવામાં આવશે.

વેસ્ટર્ન રેલવે દ્વારા આ કામગીરીમાં મુંબઈના લોઅર પરેલ તેમજ ગુજરાતના દાહોદ બેઝિક ટ્રેનિંગ સેન્ટર, ઈલેક્ટ્રીક લોકોશેડ વડોદરા અને એન્જિનિયરિંગ વર્કશોપ સાબરમતી ખાતે ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, આ ટ્રેનિંગ નિ:શુલ્ક અપાશે. ઉમેદવારોને ટ્રેનિંગ દરમિયાન ટુલ કીટ પણ અપાશે. જે તેમને તાલીમ લીધા બાદ પોતાનાે રોજગાર શરૂ કરવામાં કામ લાગશે. અત્યાર સુધીમાં 148 યુવાનોએ ટ્રેનિંગ લીધી છે. 18 દિવસની એક બેચ હોય છે. પ્રાથમિક તબક્કે 1000 યુવાનોને ટ્રેઇન કરાશે.

તાલીમ માટે ઉમેદવારે શું કરવાનું રહેશે?
જેને તાલીમ લેવી હોય તેમણે રેલવેના નક્કી કરેલા 75 સંસ્થાન પૈકી ગમે ત્યાં જઈ પોતાને ટ્રેનિંગ લેવી છે તે અંગે જાણ કરી અરજી ફોર્મ ભરવાનું રહેશે. રેલવે દ્વારા ઓનલાઈન એન્ટ્રી કરી ટ્રેનિંગ અપાશે. જેમાં 30 ટકા થીયરી અને 70 ટકા પ્રેક્ટિકલ તાલીમ રહેશે.

સેન્ટ્રલ ડેટાબેઝ તૈયાર કરાશે
રેલવે દ્વારા કાર્યક્રમના નોડલ તરીકે બનારસ ડિવિઝનને જવાબદારી સોંપાઇ છે જે સમગ્ર કાર્યક્રમનું મૂલ્યાંકન કરશે અને સેન્ટ્રલ ડેટાબેઝ તૈયાર કરશે. આ સાથે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાશે. જે એપ્રેન્ટીસ અધિનિયમ-1961 ની ટ્રેનિંગની સાથે વધારાનું પ્રમાણપત્ર હશે.

કઈ ટ્રેનિંગ અપાશે

  • ​​​​​​​ઇલેક્ટ્રિશિયન
  • વેલ્ડર ​​​​​​​
  • મશીનિસ્ટ
  • ફિટર
અન્ય સમાચારો પણ છે...