દાહોદ શહેરના રેલવે કારખાનામાં કામ કરતા રેલવેકર્મચારીએ તેના સાથી કર્મીને અંગત અદાવતે ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દેતાં રેલવેતંત્ર સહિત કારખાના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં દાહોદ ટાઉન પોલીસ દોડી ગઈ છે અને આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક રેલકર્મીના સાથી રેલકર્મીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો, જેને લઇને આ હત્યા કરાઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
પત્ની જોડે આડા સંબંધને લીધે હત્યા કરાઈ હોવાની આશંકા
દાહોદના પરેલ સાત રસ્તા પર સ્થિત રેલવે કારખાનામાં સેકન્ડ ગ્રેડમાં ડ્રિલર તરીકે નોકરી કરતા અને ત્રણ રસ્તા રેલવે કોલોનીમાં રહેતા સરબજિત યાદવ અને તેના સાથી રેલવેકર્મચારી અને ધોબીઘાટના રહેતા પપ્પુ ઉર્ફે ટીટોડી સાથે અંગત અદાવતને લઇને ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેને કારણે રેલવેકર્મી પપ્પુ ઉર્ફે ટીટોડીએ સાથી રેલવેકર્મચારી સરબજિત યાદવને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી પાંચથી છ જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે મૃતક સરબજિતનું પપ્પુ ઉર્ફે ટીટોડીની પત્ની જોડે આડા સંબંધ હોવાથી તેણે લઇ પપ્પુ ઉર્ફે ટીટોડીએ આયોજનપૂર્વક સરબજિતને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની આશંકા છે.
મોટી રકમની લેવડદેવડમાં હત્યા થઈ હોવાની પણ ચર્ચા.
આ સમગ્ર હત્યા મામલે માત્ર પ્રેમપ્રકરણ જ જવાબદાર હોવાનું નહીં, પણ કોઇ મોટી રકમની લેવડદેવડ હોવાનું પણ ફ્રીલેન્ડગંજ વિસ્તારના અંતરંગ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જો એ દિશામાં પણ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકત બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે, ત્યારે આ હત્યાપ્રકરણ આવનારા સમયમાં કેવો વળાંક લેશે એ કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.
હત્યા કર્યાં બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો
પપ્પુ ઉર્ફે ટીટોડીની પત્ની જોડે પ્રેમપ્રકરણ ચલાવનારા સરબજિત યાદવ વચ્ચે આજે રેલવે કારખાનાંમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં પપ્પુએ સરબજિતને ચપ્પુનાં તીક્ષ્ણ હથિયાર વડે કમર, હાથ, પગ અને ખભાના ભાગે જીવલેણ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યાર બાદ હત્યા કરનાર પપ્પુ જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.
દાહોદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી
રેલવે કારખાનામાં ખેલાયેલા ખૂની ખેલની જાણકારી દાહોદ પોલીસને કરાતાં નવનિયુક્ત આઇપીએસ શેફાલી બરવાલ ટાઉન PI વસંત પટેલ સહિતનો પોલીસ જવાનોનો કાફલો રેલવે કારખાનામાં પહોંચી ગયો હતો અને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે રેલવેમેન હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો અને તીક્ષ્ણ હથિયારને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પ્રેમ સંબંધમાં ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા: પીઆઇ
દાહોદ ટાઉન પી.આઇ વસંત પટેલે જણાવ્યું હતું કે રેલવે કારખાના પાસે હત્યા કરી હોવાની ઘટનાને લઇ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારીઓ અનુસાર મૃતક રેલકર્મીનું સાથી રેલકર્મીની પત્ની જોડે પ્રેમ સંબંધ હતો, જેને લઇને આ હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. હાલ આરોપી પોલીસ મથકે હાજર થઇ ગયો છે. અમે લાશનો કબજો મેળવીને પી.એમ માટે મોકલી આપ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.