મહેસૂલ મંત્રીનો મામલતદાર કચેરીમાં દરોડો:વડોદરામાંથી 12 કરોડનું જંત્રી કૌભાંડ પકડ્યું, પુરાવા સાથે પહોંચતા 4 દસ્તાવેજનું ભોપાળુ ખૂલ્યું

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી જઇ દસ્તાવેજોની માહિતી ચકાસી હતી. - Divya Bhaskar
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી જઇ દસ્તાવેજોની માહિતી ચકાસી હતી.
  • વિસંગતતાવાળા કિસ્સામાં મહત્તમ જંત્રી લેવા અધિકારીઓને મહેસૂલમંત્રીની સૂચના

વડોદરા દક્ષિણ મામલતદાર કચેરી સાથે સંલગ્ન સબ રજિસ્ટ્રાર (દસ્તાવેજ નોંધણી)ની કચેરીમાં મહેસૂલ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે બપોરે અધિકારીઓની ટીમ સાથે દરોડો પાડ્યો હતો. દરોડામાં જાંબુઆના 4 દસ્તાવેજોમાં 12 કરોડની જંત્રી ઓછી ભરાઈ હોવાનું સામે આવ્યું હતું. જાંબુઆના એક દસ્તાવેજમાં જ 9 કરોડની જંત્રી ઓછી ભરાઈ હોવાની જાણકારી મળતાં મંત્રી પણ ચોંકી ઊઠ્યા હતા. મંત્રીએ તાત્કાલિક 6 મહિનાના દસ્તાવેજોની વિગતો કઢાવી તેમાં કયા દસ્તાવેજોમાં જંત્રી ઓછી ભરાઈ છે તે ચકાસવા આદેશ આપ્યા છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મુખ્ય સ્ટેમ્પ અધિકારી દિનેશ પટેલ તેમજ અધિકારીઓની ટીમ સાથે શુક્રવારે બપોરે 1 વાગે દક્ષિણ મામલતદાર કચેરીમાં પહોંચી ગયા હતા. જોકે મંત્રીની મુલાકાત અંગે પહેલેથી જ જાણી ગયેલા અધિકારીઓ તાત્કાલિક પોતાની ઓફિસોમાં ગોઠવાઈ ગયા હતા. જ્યારે કચેરીની બહાર બેઠેલા એજન્ટોને પણ ભગાડ્યા હતા. મંત્રી ટીમ સાથે બીજા માળે આવેલી જોઈન્ટ સબ રજિસ્ટ્રારની કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં ઈન્ચાર્જ સબ રજિસ્ટ્રાર ખુશી પટેલ પાસે જાંબુઆ, તરસાલી અને તાંદલજાનાં ગામોના 7 સર્વે નંબરની માહિતી કઢાવી હતી. જેમાંથી જાંબુઆના 4 સર્વે નંબરમાં થયેલા દસ્તાવેજોમાં રૂા.12 કરોડની જંત્રી ઓછી ભરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 3

મંત્રીએ સબ રજિસ્ટ્રારનો ક્લાસ લેવાનું ચાલુ કરીને 6 મહિનાના દસ્તાવેજો તાત્કાલિક તપાસવા જણાવ્યું હતું. જોકે આ દસ્તાવેજો પહેલાના અધિકારી દ્વારા કરાયા હોવાથી મંત્રીએ તમામને નોટિસ મોકલી બાકીની જંત્રી ભરવાનો આદેશ કરવા જણાવ્યું હતું.ઉપરાંત સબ રજિસ્ટ્રારને જંત્રીમાં વિસંગતતા હોય તો મહત્તમ જંત્રી લેવાની સૂચના આપી હતી. સબ રજિસ્ટ્રારની કચેરીમાં સૂચનો આપ્યા બાદ મંત્રી મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા, જ્યાં મહિલા અરજદારને સાંભળીને તેમની સમસ્યાનું નિરાકરણ કર્યું હતું. જ્યારે મામલતદાર કચેરીના કામથી મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય એક અરજદારની રજૂઆત સાંભળીને મંત્રી દ્વારા સૂચિત સોસાયટીમાં અરજી લેવામાં ચૂક થઈ રહી છે. જેથી જે તે અધિકારીઓને આવી અરજીઓ લઈ સરકારને વિગતો મોકલી આપવા સૂચના પણ આપી હતી. મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, જે તે વખતે જંત્રી તૈયાર કરાઈ ત્યારે જે જંત્રી ભરવામાં આવી તે પછી પુન:વિચારણા થઈ હશે. તેમાં જંત્રી વધારે કરાઈ એટલે જંત્રી જે વધારે થઈ તે ગરવી ગુજરાત પર દેખાય છે, પરંતુ વિભાગમાં જે ઓનલાઈન સર્ક્યુલેટ થઈ ગઈ ત્યાં જંત્રી ઓછી જણાય છે. તેનો દુરુપયોગ કર્યો હોઈ શકે છે.

મહિલા પાસે ભાડુ ન હોવાથી મંત્રીએ રૂા. 50 આપ્યા
દક્ષિણ મામલતદાર કચેરીમાં આવક-જાતિનો દાખલો કઢાવવા 3 દિવસથી ધક્કા ખાતી શકુંતલા ડાભીએ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આપવીતી સંભળાવી હતી. જેને પગલે મંત્રીએ નર્મદા ભુવનનાં મહિલા અધિકારીને ‘લોકોના પૈસે જ આપણને પગાર મળે છે’ તેમ કહી ઉઘડો લઇં કામ ઓછામાં ઓછું બે દિવસમાં કરી દેવા સૂચના આપી હતી. શકુંતલા ડાભી પાસે નર્મદાભુવન જવા ભાડુ ન હોવાથી મંત્રીએ રૂા.50 આપ્યા હતા.

ગંભીર ફરિયાદની તપાસ માટે સીટની રચના કરાશે
મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે, એક મહેસૂલ વિભાગની સીટ બને તેવી વિચારણા છે. જેમાં અધ્યક્ષ રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના અધિકારી, ડીવાયએસપી કક્ષાના અધિકારી, મહેસૂલના આઈએએસ અધિકારી અને રિટાયર્ડ મામલતદારનો સમાવેશ કરવાનું આયોજન છે. મહેસૂલ વિભાગ પાસે કોઈ ગંભીર ફરિયાદ આવે તો તે અમે સીટ પાસે મોકલીશું અને સીટ તપાસ કર્યા બાદ પગલાં લેશે.

અન્ય સમાચારો પણ છે...