• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Radiation Oncology Department Of Sayaji Hospital, Vadodara Successfully Treats Cancerous Ulcers Of The Palate Without Shedding Of Blood.

કેન્સરની અદ્યતન સારવાર:વડોદરાની સયાજી હોસ્પિટલના રેડિયેશન ઓન્કોલોજી વિભાગે લોહીનું ટીંપુ વહાવ્યા વિના તાળવાના કેન્સરજન્ય ચાંદાનો સફળ ઈલાજ કર્યો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડો.અનિલ ગોયલ કહે છે કે, આવી પ્રોસિઝર નવી દિલ્હી એઈમ્સ અને મુંબઈની ટાટા મેમોરિયલમાં જૂજ પ્રમાણમાં થાય છે

નવી દિલ્હીની એઇમ્સ અને મુંબઇની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરજન્ય રોગોની શ્રેષ્ઠ સારવાર થાય છે. આ દવાખાનાઓમાં પણ જૂજ પ્રમાણમાં થાય છે તેવી એક પ્રોસિઝર સયાજી હોસ્પિટલના રેડીયેશન ઓન્કોલોજી વિભાગમાં સફળતાપૂર્વક કરીને મોટી ઉંમરના દર્દીને તાળવાના કેન્સરજન્ય ચાંદામાંથી લોહીનું ટીપું વહાવ્યા વગર અને વેદના કે આડઅસર વગર મુક્તિ અપાવી છે. આ પ્રોસીજરમાં ડેન્ટલ વિભાગનો પ્રસંશનીય સહયોગ મળ્યો હતો.

લીનિયર એકસિલેટર મશીન સ્થાપિત કર્યું
આ મોટી ઉંમરના દર્દીને તાળવાના ભાગે કેન્સરજન્ય ચાંદુ થવાને લીધે તકલીફ સર્જાઇ હતી તેવી જાણકારી આપતાં વિભાગના વડા ડો.અનિલ ગોયલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્સરની રેડિયેશન આધારિત સારવાર માટે ખૂબ અદ્યતન અને મોંઘુ લીનિયર એકસિલેટર મશીન વિભાગમાં સ્થાપિત કર્યું છે. જેની મદદથી આ દર્દીના તાળવાના ચાંદાનો ઈલાજ કરવાનો અમે નિર્ણય લીધો.

રેડિયેશન થેરાપીથી સફળતાપૂર્વક ચાંદાનું નિવારણ કર્યું
સમસ્યા ચાંદાની જગ્યા સુધી મશીનના કેથેટરને પહોંચાડવાની હતી. જેમાં સયાજી હોસ્પિટલના દંત રોગ વિભાગના ડો.શોએબ અને તેમની ટીમનો સહયોગ મળ્યો હતો. આ લોકોએ એક ચોકઠાની રચના કરી, જેમાં થઇને કેથેટરને અસરગ્રસ્ત જગ્યા એટલે કે, ચાંદા સુધી પહોંચાડીને રેડિયેશન થેરાપીથી સફળતાપૂર્વક ચાંદાનું નિવારણ અમે કરી શક્યા છે. કદાચિત ગુજરાતમાં પહેલીવાર આ પ્રોસિઝર દ્વારા સફળ સારવાર થઈ છે.

કોઈ શસ્ત્રક્રિયા કરવી પડી નથી
તેમણે જણાવ્યું હતું કે, કોઈ શસ્ત્રક્રિયા કરવી પડી નથી, દર્દીના શરીરનું એક ટીપું લોહી વહ્યું નથી. સારવાર લગભગ વેદના રહિત થઈ છે. આડઅસર વગર સારવાર થઈ છે અને દર્દીનું વજન ઘટ્યું નથી. ચેહરાનો દેખાવ પણ પૂર્વવત રહ્યો છે. પેઇનલેસ સારવારથી દર્દીની મુશ્કેલી નીવારવાનો અમને આનંદ છે. ખાનગી હોસ્પિટલોમાં આવી સારવાર કરાવવી હોય તો મોટો ખર્ચ કરવો પડે. અહીં આ અદ્યતન સારવાર વિનામૂલ્યે થઈ છે. દર્દી પી.એમ.જે.વાય ના કાર્ડ ધારક હતા તેથી વધુ સરળતા થઈ છે.

કેન્સરની અદ્યતન સારવાર સયાજી હોસ્પિટલમાં ઉપલબ્ધ થયાનો આનંદ વ્યક્ત કર્યો
ડો.ગોયલે કહ્યું હતું કે, મોટી ખાનગી કેન્સર હોસ્પિટલો આયુષ્માન અને પી.એમ.જે.વાય.કાર્ડ સ્વીકારતી નથી. એ દવાખાનાઓ જેવુ જ અદ્યતન ઉપકરણ સયાજી હોસ્પિટલના અમારા વિભાગ પાસે હોવાથી દર્દીઓને ખૂબ રાહત થઈ છે. સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરે ડો.ગોયલ અને ડો.શોએબના ટીમ વર્કથી મુંબઈ કે દિલ્હીમાં જ શક્ય છે એવી, કેન્સરની અદ્યતન સારવાર સયાજી હોસ્પિટલમાં ઉપલબ્ધ થયાનો આનંદ વ્યક્ત કરતા સહુ સંબંધિતોને આ સફળતા માટે અભિનંદન આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...