તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ અટક્યું:વડોદરાની MSUમાં એડમિશન લેનાર અફઘાનિસ્તાનના 18 વિદ્યાર્થીઓના વડોદરા આવવા સામે પ્રશ્નાર્થ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે મ.સ.યુનિ.માં 328 વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન અપાયાં છે

અફઘાનિસ્તાનમાં રાતોરાત તાલીબાનોએ સત્તા કબજે કરતાં વિવિધ દેશોમાં અભ્યાસ માટે જવા માગતા અનેક અફઘાન વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂધળું બની ગયું છે. આ વર્ષે મ.સ.યુનિ.માં 18 અફગાન વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો પરંતુ તેઓ અભ્યાસ માટે વડોદરા આવે તે પહેલા જ સત્તા પરિવર્તન થતાં તમામ અફઘાન વિદ્યાર્થીઓ હવે વડોદરા અભ્યાસ માટે ન આવી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે.

એમ.એસ.યુનિ.માં આ વર્ષે વિવિધ દેશના 328 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, જેમાં અફઘાનિસ્તાનના 18 વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે તેમને યુનિ. દ્વારા ઇ-મેલ દ્વારા જાણકારી પણ આપી દેવામાં આવી હતી. જોકે આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વડોદરા આવે તે પહેલા જ ત્યાં કટ્ટરવાદી સંગઠન તાલીબાન સત્તામાં આવતાં આ તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસ ઘોંચમાં પડ્યો છે.

સત્તા પરિવર્તન બાદ અફઘાન વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વડોદરા આવવા માગે છે, પરંતુ તેમના માટે હવે દેશ છોડવાનું મુશ્કેલ હોવાના કારણે તેઓ તેમના એડમીશન બાબતે ઇ-મેલ દ્વારા તેમજ ફોન કરીને પૂછપરછ કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ તેઓ અભ્યાસ માટે આવી શકશે કે કેમ ? તે અંગે પણ પૂછપરછ કરી રહ્યાં છે જો કે, યુનિ. દ્વારા હાલના તબક્કે આ વિદ્યાર્થીઓ અંગે કંઇ પણ જણાવી શકે તે સ્થિતિમાં ન હોવાનું જાણવા મળ્યું છે. યુનિ.ના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, હાલ યુનિ.માં 11 અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે અને તેઓ હાલ વડોદરામાં છે.

કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન સાથે વાત કરાશે
18 અફઘાન વિદ્યાર્થીઓના એડમિશન ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન દ્વારા કરવામાં આવ્યાં છે એટલે આ વિદ્યાર્થીઓ આ વર્ષે અભ્યાસ માટે આવી શકશે કે કેમ, તે અંગેની વાતચીત ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન સાથે કરવામાં આવશે અને તેમની સૂચના મુજબ આગામી દિવસોમા કોઇ નિર્ણય લેવામાં આવશે. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ હાલ તેમના અભ્યાસ બાબતે ફોન દ્વારા તેમજ ઇ-મેલથી પૂછપરછ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...