ભાસ્કર એક્સક્લુઝિવ:બે ચાવી હોય તો જ પ્રશ્નપત્રોની તિજોરી ખૂલે છે
વડોદરા23 દિવસ પહેલાલેખક: નેહલ વ્યાસ
- MSUમાં પરીક્ષાના 4 કલાક પહેલાં જ સીલબંધ પ્રશ્નપત્ર પ્રેસમાં પ્રિન્ટ થાય છે
- રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર લીક થાય છે ત્યારે MSUની ફુલપ્રૂફ સિસ્ટમ
એમ.સ.યુનિવર્સિટીની પરીક્ષાઓની ફુલ પ્રૂફ વ્યવસ્થાના પગલે પેપર લીક થવાની ઘટનાઓ બનતી નથી. પરીક્ષાના 4 કલાક પહેલાં જ સીલબંધ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટ થવા માટે મોકલવામાં આવે છે. પ્રેસની તિજોરીમાં મૂકેલા પ્રશ્નપત્રની એક ચાવી પ્રેસ મેનેજર પાસે અને એક પરીક્ષા વિભાગ પાસે હોય છે, બંને સાથે લગાડવામાં આવે તો જ તિજોરી ખૂલે છે.
રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવાના પગલે અનેક પરીક્ષાર્થીઓનું સપનું રોળાઇ જાય છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી પરીક્ષા લઈ રહેલી એમએસ યુનિવર્સિટીમાં પેપર લીક થવાની ઘટના બની નથી. યુનિવર્સિટી દ્વારા ગોઠવવામાં આવતી વ્યવસ્થા અને તેની પાછળની સમગ્ર પ્રક્રિયાના પગલે પેપર લીક થાય તેવી ઘટનાઓ ની શક્યતા નહીવત થઈ જાય છે. યુનિવર્સિટી ની વિવિધ વાર્ષિક પરીક્ષાઓના પેપરો કેવી રીતે નીકળે છે તે અંગે સમગ્ર સિસ્ટમ વિશે સમજવા પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા અધ્યાપકો સાથે વાતચીત કરી હતી. પેપર કાઢવાની કામગીરીમાં સંકળાયેલા હોવાથી અધ્યાપક દ્વારા તેમના નામ જાહેર નહિ કરવાની શરતે માહિતી આપી હતી.
પ્રક્રિયા / સિલેબસથી માંડીને પ્રશ્નપત્રની પરીક્ષાખંડ સુધીની સફર
- નવા સત્રની શરૂઆતમાં દરેક વિષયના સબ્જેકટ કોઓર્ડિનેટરની નિમણૂક કરાય છે.
- શિક્ષણ દરેક યુનિટ પર સરખું ભણાવે છે કે નહિ તેની યુનિફોર્મલીટી જાણવે છે.
- પરીક્ષા પહલે એકઝામિનરનું નામ નક્કી કરવામાં આવે છે
- પરીક્ષાનો કાર્યક્રમ ડીન દ્વારા એડવાન્સમાં એકઝામ રજીસ્ટ્રારને સોંપવામાં આવે છે
- અલગ અલગ ફેકલ્ટીના ડીન સાથે બેઠક થયા બાદ બિલ્ડિંગોને નક્કી કરવામાં આવે છે
- બિલ્ડિંગ નક્કી થયા બાદ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે
- સીલેબસ વેબસાઇટ પર ચઢાવવામાં આવે છે
- હવે નવી પધ્ધતિ પ્રમાણે પરીક્ષાના 12 દિવસ પહેલા 2 પેપર સેટરો દ્વારા સીલબંધ કવરમાં પપેર પરીક્ષા વિભાગને સોંપવામાં આવે છે
- પરીક્ષાના એક દિવસ પહેલા વીસી માન્ય કરાયેલા પેપર ને ફાઇનલ કરવામાં આવે છે
- જે દિવસે પરીક્ષા હોય છે તેના 4 કલાક પહેલા એકઝામ સેકશનના કર્મચારી યુનિ.ની પ્રેસમાં ગાડીમાં લઇને જાય છે.
- યુનિવર્સિટીની પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રશ્નપત્રને લોકરમાં મૂકવામાં આવે છે જેની એક ચાવી પ્રેસ વિભાગના અધિકારી અને એક પરીક્ષા વિભાગના અધિકારી પાસે હોય છે.
- પેપર જે કવરમાં નાખ્યું તે ખોલતી સમયે તેનો સમય નોંધવામાં આવે છે
- પ્રેસમાં સિનિયર પ્રેસ મેનેજરની સાથે જનરલ પ્રુફ રીડરની ટીમ હાજર હોય છે જે પ્રશ્નપત્રોની ગણતરી કરીને બ્લોક નંબરની સંખ્યા પ્રમાણે પેપર પેકેટ બનાવે છે.
- પ્રીન્ટ કરેલા પ્રશ્નપત્રો એન્વોલેપમાં સીલ કરીને પરીક્ષા જે બિલ્ડિંગો પર હોય છે ત્યાં પહોંચતી કરવામાં આવે છે જયાં એકઝામ સેન્ટરના સુપરવાઇઝર પેપર હાથમાં લે ચે.
- એકઝામની 10 મીનીટ પહેલા પેકેટ દરેક રૂમમાં સુપરવાઇઝરોને પહોંચાડાય છે.
GPRS ટ્રેકર લાગેલું હોય છે
પરીક્ષાના 4 કલાક પહેલા પરીક્ષા વિભાગમાંથી એક વ્યકતિ ગાડીમાં ડ્રાઇવર સાથે યુનિ.ના પ્રીન્ટીંગ પ્રેસ સુધી લઇ જાય છે. પેપર લઇ જવાય છે તે વાહનને જીપીઆરએસ ટ્રેકર સાથે સજ્જ હોય છ.ગાડી પ્રેસ સુધી પહોંચી કે નહિ તેની લાઇવ મુવમેન્ટ અધિકારીઓ જોઇ શકે છે.