ધરમધક્કા:કતાર કેન્દ્ર - 7-12ના ઉતારા માટે રોજ 700 લોકોને 5થી 8 કલાકની તપશ્ચર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન સેવા કેન્દ્રમાં કાર્યરત નવંુ સોફ્ટવેર 4 ગણું ધીમું હોવાથી સમયનો બગાડ
  • 1 મેથી સર્જાયેલી સમસ્યાનો 18 દિવસ બાદ પણ ઉકેલ આવતો નથી

વડોદરાના નર્મદાભવન સ્થિત જનસેવા કેન્દ્ર સહિતના શહેરના 5 જનસેવા કેન્દ્રોમાં છેલ્લા 18 દિવસથી 7-12ના ઉતારાના દસ્તાવેજ-નકલ માટે આવતા રોજના 700 લોકોને 5થી 8 કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે. લોકોના ધસારાને પહોંચી વળવા આ કામગીરી માટેની 3 લેન બનાવવામાં આવી છે. પણ અગાઉનું આ માટેનું એની-ROR સોફ્ટવેર બદલીને ગુજરાત સ્થાપના દિનથી કાર્યરત નવું વેબભુલેખ સોફટવેર ધીમુ હોવાથી લોકોને કલાકો રાહ જોવી પડે છે. આ લાઇનો જ્યાં પડે છે, ત્યાં બેસવાની પણ વ્યવસ્થા ન હોવાથી સૌથી કફોડી હાલત વૃદ્ધોની અને જેમણે ઓપરેશનો કરાવ્યા છે તેવા લોકોની થાય છે.

7-12ના ઉતારામાં જમીનના બોજા, વારસાઇ, વેચાણ, આરટીએસ અપિલ, દસ્તાવેજ નોંધો (છેલ્લુ હકપત્ર) જેવા ડોક્યુમેન્ટ્સની એન્ટ્રીઓ પણ હોય છે. જેથી તેની માહિતી ફીડ કરવામાં પણ વધુ સમય લાગે છે. આ અંગે જન સેવા કેન્દ્રના એક કર્મીએ જણાવ્યું કે, ‘ અમારી સાથે અહીં ઉતારા માટે આવતા લોકોની તડાફડી થઇ જાય છે, આ સોફ્ટવેરને લીધે અમારી સામે કમ્પ્યૂટરમાં ચકરડું ફરે છે, લોકોને લાગે છે અમે કામ નથી કરતા. અગાઉના સોફટવેરમાં એક ઓપરેટર બે હજાર નકલ રોજની કાઢી શકતો હતો આજે માંડ 300થી 500 નકલ માંડ નીકળે છે.

સમા કેન્દ્રમાં મફત અપાતા રેશનકાર્ડમાં નામ ઉમેરવાના ફોર્મનો ~10માં વેપલો
સમાના જનસેવા કેન્દ્રમાં રેશનકાર્ડમાં નામ ઉમેરવાના ફોર્મના રૂ.10માં વેપલો કરવામાં આવે છે. જનસેવા કેન્દ્રના કર્મચારી આ ફોર્મ છેલ્લા અઠવાડિયાથી ઉપલબ્ધ ન હોવાનું કહે છે. ત્યારબાદ જ્યારે ફોર્મ માગનાર નિસાસો નાખે અને ક્યાં મળશે એમ પૂછતા જ નીચેના ઝેરોક્સ સેન્ટર ખાતે આ ફોર્મ મ‌ળશે. નવા ફોર્મ એક અઠવાડિયા પછી આવશે. ઝેરોક્સ સેન્ટરમાં રૂ.10 લઇને રેશનકાર્ડમાં કાર્ડ ઉમેરવાના ફોર્મનો વેપલો કરવામાં આવી રહ્યો હતો.જનસેવા કેન્દ્રના ઇન્ચાર્જ ત્રંબક પટેલને પૂછતા તેમણે જણાવ્યું કે, આ બાબત હવે ધ્યાને આવતા તુરંત જ ફોર્મની પ્રિન્ટ કાઢીને તેનું નિ:શુલ્ક વિતરણ કરવાની સૂચના અપાઇ ગઇ છે.

ગરમીમાં 80 વર્ષે 7-7 કલાક રાહ જોવી પડી
વડોદરાના નર્મદાભવન ખાતે બુધવારે સવારે 9.00 વાગ્યે આવેલા સોખડાના 80 વર્ષના નગીન પટેલ 7-12ના ઉતારા માટે જનસેવા કેન્દ્ર ખાતે આવ્યા હતા. બપોરના 4 વાગ્યા સુધી તેઓ લાઇનમાં જ હતા. તેમણે કહ્યું, સરકાર નવા ગતકડા કરે છે પણ આવી ગરમીમાં જુઓ પંખો પણ નથી.

બેસવા માટે બાંકડા ન હોવાથી હાલત કફોડી
શહેરના ગોત્રીના જનકનગરમાં રહેતા મોહનભાઇ પટેલ (ઉવ.76)એ જણાવ્યું કે, હું 76 વર્ષનો છું. સવારે પોણા બાર વાગ્યે આવ્યો હતો. બપોર સુધી લાઇનમાં ઊભો રહ્યો પણ છેવટે થાક્યો. જમી આવ્યો અને ફરી લાઇનમાં ઊભો છું. અહીં કર્મચારીઓ કહે છે કે, સર્વર ડાઉન છે. પણ અમારો શો વાંક ? અહીં બાંકડાની વ્યવસ્થા કરી નથી.

અન્ય સમાચારો પણ છે...