ચાઇલ્ડ ટ્રાફિકિંગનું રેકેટ:દિલ્હીથી ખરીદી વડોદરા લવાયેલી બાળકીનું પંજાબ કનેક્શન, અઢી લાખમાં સોદો થયો હતો

વડોદરા3 મહિનો પહેલા
વડોદરામાં બાળકીની તસ્કરી મામલે દંપતી ઝડપાયું.

શહેરના એક દંપતી દ્વારા દિલ્હીથી એક બાળકીને દત્તક લેવા માટે ખરીદી વડોદરા લાવવા મામલે પંજાબ કનેક્શન નિકળ્યું છે. પોલીસ તપાસમાં જણવા મળ્યું હતું કે બાળકીનો જન્મ પંજાબમાં થયો હતો અને ત્યાંથી તેને દિલ્હી લવાઇ અને વડોદરામાં વેચી દેવાઇ.

બાળકીનું જન્મનું પ્રમાણપત્ર મળ્યું
વડોદરા શહેરના DCP ઝોન-2 અભય સોનીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા બાતમીના આધારે શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતા સૌરભ અને તેની પત્ની સોમા વેરા ગેરકાયદે રીતે એક બાળકીને દત્તક લેવાના છે. આ બાળકીને કેટલાક શખ્સો દિલ્હીથી વડોદરા આવી રહેલ દુરન્તો એક્સપ્રેસમાં લઇ આવી રહ્યા છે. જેના આધારે પોલીસે વૉચ ગોઠવી ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ બાળકીને રેસ્ક્યું કરી દંપતીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બાળકીનું જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું છે જેમાં તેનો જન્મ પંજાબના ફિરોજપુરના પંજોકા ઉખાડામાં થયો હોવાનું લખ્યું છે. બાળકીનું નામ સિમલારાની છે તરીકે છે તેમજ તેના પિતાનું નામ મિતુનસિંગ છે.

1 લાખ 80 હજાર રિકવર
અભય સોનીએ કહ્યું કે, બાળકીના બર્થ સિર્ટિફિકેટના આધારે અમે તપાસ આગળ વધારી રહ્યા છીએ. આ બાળકીની દિલ્હીની પ્રિયંકા નામની મહિલા પાસે કેવી રીતે આવી તે અંગે તપાસ કરી રહ્યા છીએ. પ્રિયંકા (રહે. મંગલાપુર, દિલ્હી) એ વડોદરામાં રહેતા સૌરભ અને તેની પત્ની સોમાનો કેવી રીતે સંપર્ક કર્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છીએ. આ બાળકીનો અઢી લાખ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો હતો. આ મામલે સીડીઆર અને ટેકનિકલ બાબતોએ તપાસ કરવામાં આવી રહી છે. દંપતી પાસેથી 1 લાખ 80 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.

ઇન્ટરનેટ પરથી થયો સંપર્ક
સૌરભ અને તેની પત્નીએ ઇન્ટરનેટ પર "ન્યૂ બેબી એડોપ્શન સેન્ટર" લખીને સર્ચ કર્યું હતું. જેમાં આ દંપતીને એક મોબાઇલ નંબર મળ્યો હતો જેના પર તેમણે સંપર્ક કર્યો હતો. જ્યાર બાદ આરોપીઓએ દંપતીની આધારકાર્ડ અને પાનકાર્ડની કોપી માંગી હતી. જે દંપતીએ ઓનલાઇન શેર કરી હતી. જ્યાર બાદ આરોપીઓએ દંપતીને અઢી લાખ રૂપિયા લઇને બોલાવ્યું હતું અને ટ્રેનમાંથી બાળકીને લઇને જજો તેમ જણાવ્યું હતું. તેમજ તેમને આ બધુ કાયદેસર છે તેમ કહ્યું હતું. આ સમગ્ર ચાઇલ્ડ ટ્રાફિકિંગનું રેકેટ છે તેમ માની પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

દંપતી મૂળ બંગાળનું વડોદરામાં કરે છે મજૂરી કામ
તેમણે ઉમેર્યું હતું કે આ બાળકી ગુમ થઇ હોય કે અપહરણ થયું હોય તેવી દિલ્હી કે ફિરોજપુરમાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી. વડોદરામાં રહેતું દંપતી દુકાનમાં છુટક મજૂરી કામ કરે છે અને મૂળ બંગાળનું રહેવાસી છે. વડોદરાથી પોલીસની એક ટીમ દિલ્હી અને પંજાબ તપાસ કરવા જશે.