તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાનું નિંદ્રાધીન તંત્ર:નવાપુરા અને માંડવી વિસ્તારના 25 હજાર રહીશોને કાળા પાણીની સજા; ભાજપના કોર્પોરેટરનો આક્રોશ - અધિકારીઓ કામ કરતા નથી

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસથી ગંધાતું અને કાળું પાણી આવે છે છતાં તંત્ર નિવેડો ન લાવ્યું

નવાપુરા અને માંડવી ચાર દરવાજા વિસ્તારમાં 15 દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. જેનાથી 25 હજારથી વધુ લોકોને કાળા પાણીની સજા સાથે રોગચાળાનો ભીતિ સતાવી રહી છે. વોર્ડ નંબર 13 ના ભાજપના કાઉન્સિલરે જ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે અધિકારીઓ કોઇ કામગીરી કરતાં નથી. મ્યુ. કમિશ્નરને પણ રજૂઆતો છતાં નિકાલ આવી રહ્યો નથી. બીજી બાજુ શહેરના મધ્યમાં આવેલા જમનાબાઇ સહિતના વિસ્તારોમાં પણ દુર્ગંધ મારતા પાણીની સમસ્યા છે અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે.નવાપુરા વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવા છતાં તંત્ર નિદ્રાધીન હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા રબારી વાસ, અન્સારી મહોલ્લો, ગોયા ગેટ, રાજેશ્વર સોસાયટી, એસએસસી બોર્ડની ઓફીસ સહિતના સમગ્ર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી કાળું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું હોવાથી ભાજપના કાઉન્સિલર જાગૃતિબેન કાકાને રહીશોએ ફરીયાદ કરી હતી. કાઉન્સિલરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી અધિકારીઓને ફરિયાદ કરી રહી છું તેમ છતાં કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી.

પંપિંગ સ્ટેશનમાં રાત્રીના સમયે કોઇ કર્મચારી હાજર હોતો નથી જેના કારણે સફાઇ થતી નથી અને પાણી ગંદુ આવી રહ્યું છે. આ અંગે મ્યુ.કમિશ્નરને ફરિયાદ કરી હોવા છતાં પણ કોઇ પગલા ભરવામાં આવી રહ્યાં નથી. એક તરફ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે દૂષિત પાણીની સમસ્યા મામલે કોઇ કાર્યવાહી ન કરાતા રહીશોમાં બીમારીનો ભય સતાવી રહ્યો છે.

નવાયાર્ડ ટીપી-13માં રાજીવનગર, જાદવનગર, ગાંધી પાર્ક વિસ્તારમાં ગટરો ઉભરાવવાનો પ્રશ્ન
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પણ ગટરો ઉભરવાની સમસ્યા યથાવત છે. જેના પગલે રોગચાળાએ માથું ઉચકયું છે. કાઉન્સિલર જહા ભરવાડે જણાવ્યું હતું કે જૂની રામવાડી, નવી રામવાડી, રમણીકલાલની ચાલ તથા ટીપી 13 માં આવેલા રાજીવનગર, જાદવનગર,ગાંધી પાર્ક વિસ્તારમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા તથા પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. અધિકારીઓને મચ્છરોના ત્રાસથી છૂટકારો મળે તે માટે કામગીરી કરવા રજૂઆતો કરી છે.

નાની છીપવાડથી અજબડી મિલ સુધી ગટરલાઇન ચોકઅપ
માંડવી સહિતના વિસ્તારમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. કાઉન્સિલર હરીશ જીનગરે જણાવ્યું હતું કે અધિકારીઓને બોલાવીને વિસ્તારમાં ફેરવ્યા હતા. નાની છીપવાડથી અજબડી મીલ સુધી ગટરલાઇન ચોક અપ થઇ ગઇ છે. જેનું કામ સોમવાર રાત્રીથી શરૂ કરાતા બે-ત્રણ દિવસમાં ઉકેલ આવી જશે. સામાજીક કાર્યકર ફારૂક સોનીએ જણાવ્યું હતું કે વારંવાંર રજૂઆતો છતાં ઉકેલ આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...