ઢાંકપીછોડો:PSIએ બૂટલેગરને માથામાં બોટલ ફટકારતાં ટોળાનો વરણામા પોલીસમથકને ઘેરાવ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બૂટલેગર પર દમનના વિરોધમાં વરણામા પોલીસમથકનો ઘેરાવ કરાયો હતો. - Divya Bhaskar
બૂટલેગર પર દમનના વિરોધમાં વરણામા પોલીસમથકનો ઘેરાવ કરાયો હતો.
  • ઉચ્ચ અધિકારીને બનાવની જાણ ન કરાઈ
  • ટોળું વિખેરવા પોલીસનો લાઠીચાર્જ, 2ને ઇજા,1 ગંભીર

શહેર નજીક અણખી ગામના રહીશોએ રવિવારે બપોરે વરણામા પોલીસ મથકનો ઘેરો ઘાલી પોલીસ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તબક્કે પોલીસકર્મીના જીવ તાળવે ચોંટી ગયા હતા અને લાઠીચાર્જ કરતાં 2 ઘવાયા હતા, જેમાં એક ગ્રામજન ગંભીર ઇજા પહોંચી હતી. જોકે પોલીસે આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પીઅેસઅાઇઅે બૂટલેગરના માથામાં બોટલ મારતાં લોકો વિફર્યા હતા. વરણામા પોલીસ સ્ટેશનમાં નવા આવેલા પીએસઆઈ બીએન ગોહિલ પોલીસ કાફલા સાથે અણખીના બૂટલેગર રણજીતના ઘરે દરોડો પાડવા ગયા હતા.

દરમિયાન પીએસઆઈએ ઉશ્કેરાઈને બૂટલેગરના માથામાં દારૂની બોટલ મારી તોડી નાખી હતી અને બૂટલેગરને ઘૂંટણિયે ચલાવી ગામમાં ફેરવ્યો હતો. પોલીસના વધારે પડતા દમન સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. બૂટલેગરના પરીવારજનોએ દારૂ ઘરમાંથી નથી મળ્યો, પરંતુ પોલીસ જ સાથે લઈને આવી ખોટો કેસ કરી અસહ્ય માર માર્યો હોવાની રજૂઆત કરતાં ગ્રામજનોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો અને મામલો ગરમાયો હતો. જે જોઈ પોલીસ બૂટલેગરને જીપમાં બેસાડી વરણામા પોલીસ મથકે લઇ ગઈ હતી.

જ્યાં બૂટલેગરને ફરીથી મારવાનું શરૂ કર્યું હતું. જેની જાણ અણખીના લોકોને થતાં મહિલાઓ સહિત 200ના ટોળાએ ઉગ્ર રજૂઆત કરી વરણામા પોલીસ મથકને ઘેરી લીધું હતું.સ્થિતિ વણસી જાય એમ લાગતાં પોલીસે આડેધડ લાઠીઓ મારવાનું શરૂ કરતાં ભાગદોડ મચી હતી.

દરમિયાન 2 ગ્રામજનોને ઈજા થઈ હતી, એ પૈકી એકને ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં પોર જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ આટલો ગંભીર બનાવ છતાં પીએસઆઈની ખોટી કામગીરી બહાર ન આવે એ માટે કોઈ પણ ઉચ્ચ અધિકારીને બનાવ અંગે જાણ કરાઈ નથી. જેને લઈ અણખીમાં ભારે રોષ વ્યાપ્યો છે. જે ગમે ત્યારે મોટું સ્વરૂપ પકડી શકે છે.

અણખીના લોકોને ગેરસમજ થઇ હતી
વરણામા પીએસઆઇ બીએન ગોહિલે જણાવ્યું કે, બૂટલેગરના ઘરમાંથી એક બોટલ દારૂ અને 2 બિયર મળી હતી. જેને પગલે તેની અટકાયત કરવાની ફરજ પડી હતી. દરમિયાન ગ્રામજનોમાં ગેરસમજ ફેલાઇ હતી કે બૂટલેગરને માથામાં વાગ્યું છે. જેને પગલે ગ્રામજનોના ટોળા પોલીસ મથકે ઊમટ્યાં હતાં. કાયદાે-વ્યવસ્થાની સ્થિતિ બગડે તેમ લાગતાં ગેરસમજ દૂર કરવા બૂટલેગરને બહાર કાઢી બતાવાયો હતો અને ટોળાને વિખેરાઇ જવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...