નકલી સોનું પધરાવવાનું કૌભાંડ:PSI, 2 કોન્સ્ટેબલે નકલી સોનાના 41 લાખનો ભાગ પાડ્યાનું ખૂલ્યું; માંજલપુર પોલીસના લોકરક્ષકે પ્લાન ઘડ્યાનો ઘટસ્ફોટ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
PSI હિતેશ વસાવા - Divya Bhaskar
PSI હિતેશ વસાવા
  • પોલીસ કર્મીઓને સંડોવણી બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા

નકલી સોનું પધરાવી 41 લાખ રૂપિયા ઠગવાના મામલામાં એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલની સંડોવણી બદલ સસ્પેન્ડ કરાયાની માહિતી મળી છે. વડસર રહેતા ભાલિયા બંધુઓ સાથે ધરોબો ધરાવતા માંજલપુર પોલીસ મથકના લોકરક્ષક રઘુનાથે નકલી સોનું પધરાવવાનો પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે. 1 નવેમ્બર, 21ના રોજ વાસદ પોલીસ મથકે ઈપીકો કલમ 406, 420, 120 બી મુજબ ગુનો નોંધાયો હતો.

કારેલીબાગ જય પાર્ક સોસાયટીમાં રહેતાં અર્ચનાબેન મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, માતા વિમળાબેન શાકભાજી લેવા માર્કેટ ગયાં ત્યારે હિન્દી ભાષી યુવકે ચાંદીના 2 સિક્કા આપી માતાનો મોબાઈલ નંબર લીધો હતો. સિક્કાની સોની પાસે તપાસ કરાવતાં તે ખરા જણાયા હતા. બાદમાં યુવકે માતાને ફોન કરી સોનાના સિક્કા જોવા દુમાડ બોલાવ્યાં હતાં. મેં અને માતાએ જઈને 2 સિક્કા લીધા હતા, જેની તપાસ કરાવતાં તે પણ ખરા નીકળ્યા હતા. યુવક અને તેની સાથે રહેલી મહિલાએ હિન્દીમાં ફોન પર વાત કરી હતી અને 15 કિલો સોનાના સિક્કા અમારે માત્ર 1.25 કરોડમાં આપી દેવાના છે એમ જણાવ્યું હતું.

અમે અમારી બેંકની એફડી તોડાવીને 41 લાખ રૂપિયા લઈને યુવકનો ફોન ઉપર સંપર્ક કરતાં અમને વાસદ આવી જાવ તેમ કીધું હતું. ત્યાંથી સારસા તરફના રોડ પર લઈ જઈ એક યુવકને બેસાડ્યો હતો અને સિક્કા ભરેલું પોટલું અમને આપી રૂપિયા લઈને યુવકો ઊતરી ગયા હતા. ત્યારબાદ ઘરે આવી સિક્કાની તપાસ કરાવતાં તે સિક્કા નકલી હોવાનું બહાર આવતાં નકલી સોનાના સિક્કા આપી 41 લાખની છેતરપિંડીની ફરિયાદ વાસદ પોલીસ મથકે આપી હતી.

છેતરપિંડીની રકમમાં PSI અને પો. કર્મીઓએ રસ્તામાં જ ભાગ પાડ્યો હતો
વાસદ પોલીસ મથકે નોંધાયેલા ગુનાની તપાસ કરતા ડીવાયએસપી બી.ડી જાડેજાએ જણાવ્યું હતું કે, આ છેતરપિંડી કરનાર દીપક ભાલિયા હોવાનું બહાર આવતાં તેને ઝડપી લેવાયો હતો. તેના નિવેદનમાં ઠગાઈ કરી મેળવેલા 41 લાખ વાસદથી વડોદરાના રસ્તામાં જ પાછળ કાર લઇને આવી રહેલા પીએસઆઈ હિતેશ વસાવા, પો.કર્મી રઘુનાથ અને અમરદીપ સિંહે ભાગે વહેંચી લઈ રકમ મેળવી લીધી હોવાના પુરાવા પ્રાપ્ત થતાં આણંદ એસપીએ વડોદરા પોલીસને કરેલા રિપોર્ટના આધારે આ ત્રણને સસ્પેન્ડ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...