તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓમાં સખ્ત નારાજગી:મિનિ લોકડાઉન લંબાવાતાં વિરોધ, વેપારીઓની આર્થિક હાલત કથળશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે સરકારને સપોર્ટ કરતાં પહેલાં 100 વખત વિચાર કરાશે : વેપાર વિકાસ એસો.

રાજ્ય સરકાર દ્વારા 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અને આંશિક લોકડાઉનને 18 મે સુધી લંબાવવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયનો વડોદરાના વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા વિરોધ નોંધાવાયો છે. આંશિક લોકડાઉનના પગલે શહેરના 15 હજાર વેપારીઓની આર્થિક હાલ કફોડી બનશે. જ્યારે આગામી સમયમાં સરકાર જો વેપારીઓનો સપોર્ટ માગશે તો વેપારીઓ 100 વખત વિચારશે, તેમ પણ એસોસિયેશને જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, શહેરના વિવિધ એસોસિયેશનના વેપારીઓ દ્વારા બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે તેવી માગણી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જ્યારે વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા મુંબઈની જેમ વડોદરામાં પણ તમામ દુકાનો સવારે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખ્યા બાદ સદંતર લોકડાઉન કરવામાં આવે તેવી માગણી સરકાર સમક્ષ કરવામાં આવી હતી.

વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પરેશ પરીખે જણાવ્યું હતું કે, વેપારીઓ સરકારના આ નિર્ણયથી ખૂબ જ નારાજ છે. વડોદરાના અમુક વિસ્તારના વેપારીઓએ ઈદ આવતી હોવાથી કપડાં, જ્વેલરી, શૂઝ તેમજ અન્ય ચીજ-વસ્તુઓનો સ્ટોક દુકાનોમાં ભરી દીધો હતો. વેપારીઓ ઈદના તહેવારમાં 6 મહિનાની કમાણી કરી લેતા હોય છે. જોકે હવે સ્ટોક પડી રહેતાં વેપારીઓને આર્થિક નુકસાન પહોંચશે.

સરકારે આ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં વેપારીઓને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. સરકારે આ પહેલાં પણ ઘણા નિર્ણયો બદલ્યા છે, ત્યારે તહેવારોના સમયમાં થોડા કલાકની પણ છૂટ આપી હોત તો વેપારીઓની આર્થિક તકલીફ દૂર થાત અને તેમની નારાજગી પણ દૂર થઈ ગઈ હોત. આગામી દિવસોમાં સરકાર ફરી કોઈક વખત વેપારીઓનો સપોર્ટ માગશે તો 100 વખત વિચાર કરાશે. વેપાર વિકાસ એસોસિયેશને સરકારના આ નિર્ણયનો સખત શબ્દોમાંં વિરોધ વ્યક્ત કર્યો હતો.

બિલ તેમજ ઘર ચલાવવા પૈસા કાઢવા મુશ્કેલ
વેપારીઓએ જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર આંશિક લોકડાઉનને એક સપ્તાહ માટે વધારી દીધું છે. આ સંજોગોમાં વેપારીઓને હવે કારીગરોના પગાર, લાઈટ બિલ સહિત અન્ય બિલો તેમજ ઘર ચલાવવા પૈસા ક્યાંથી કાઢવા તે મોટો પ્રશ્ન બન્યો છે. જે વેપારીઓએ લોન લીધી છે તેનો હપ્તો પણ કેવી રીતે નીકળશે તે અંગે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...