ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તંત્રએ શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવાની શરૂઆત કરી છે. વડોદરા શિક્ષણ સમિતિમાં 900 માંથી 550 શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતા વિરોધ શરૂ થઇ ગયો છે. અમદાવાદ,સુરત,રાજકોટમાં માત્ર 40 ટકા શિક્ષકોને જ કામગીરી સોંપવામાં આવે છે ત્યારે વડોદરામાં દર વખતે ચૂંટણી સુધીમાં 100 ટકા શિક્ષકોને કામગીરી સોંપાઇ છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી શાખા દ્વારા શિક્ષણ સમિતિની શાળાઓમાં 900 જેટલા શિક્ષકોમાંથી 5550 જેટલા શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં આચાર્યોને પણ બીએલઓની કામગીરી સોંપવામાં આવતા સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરા સીવાયના શહેરોમાં માત્ર 40 ટકા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે છે ત્યારે માત્ર વડોદરાની શિક્ષણ સમિતિમાં જ તમામ શિક્ષકોને કામગીરી સોંપવાનો વિરોધ શરૂ થઇ ગયો છે. શિક્ષક સંઘ દ્વારા આ મુદે જિલ્લા કલેકટર સુધી રજૂઆતો કરાવાની રણનિતિ બનાવી દીધી છે.
સમિતિની 120 શાળાઓમાં 5 થી 6 જેટલી શાળાઓમાં તો 100 ટકા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. જેના પગલે શિક્ષકોમાં ભારે નરાજગી જોવા મળી રહી છે. શિક્ષક સંઘ દ્વારા આ મુદે શાસનાધિકારીને રજૂઆતો પણ કરવામાં આવી છે. શિક્ષકોને કામગીરી સોંપવાના કારણે આગામી સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થશે.
અગાઉ પણ આ પ્રકારે આપવામાં આવેલી કામગીરીનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે શિક્ષકોની સાથે આચાર્યોને પણ કામગીરી સોંપવામાં આવી છે જેના કારણે ભારે વિરોધ થવાના એંધાણ વર્તાય રહ્યા છે. શિક્ષકોને શરૂઆતના તબક્કે રવિવારે કામગીરી સોંપવામાં આવશે ત્યારબાદ અન્ય કામગીરી માં પણ જોડી દેવાશે જેથી તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડશે.
ભણશે ગુજરાતની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના અભ્યાસના ભોગે શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી રહી છે જેના કારણે આગામી સમયમાં વિપક્ષ દ્વારા પણ આ મુદો બનાવવામાં આવે તો નવાઇ નહિ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.