રજૂઆત:શહેરનાં રખડતાં ઢોર માટે કોયલીની ગૌચર જમીન ફાળવવા સામે વિરોધ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત

શહેરમાં રખડતાં ઢોરો માટે જિલ્લાનાં 8 ગામોમાં ગૌચર જમીન ફાળવવાનું આયોજન તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે. જેને લઈને કોયલી ગામના લોકોએ વિરોધ કરી ગુરુવારે કલેક્ટરને આવેદનપત્ર આપીને કોયલીમાં ઢોરવાડ માટે ગૌચરની જમીન ન ફાળવવા રજૂઆત કરી છે.

કોયલી ગ્રામ પંચાયતના સરપંચ રણજીતસિંહ જાદવે જણાવ્યું કે, વડોદરામાં રખડતાં ઢોર માટે કોયલીની ગૌચર જમીનની ફાળવણી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. કોયલીના ગ્રામજનો તેમજ રબારી, માળી, રજપૂત, પટેલ તેમજ અન્ય સમાજના 800થી 1 હજાર કુટુંબો પશુપાલનનો મુખ્ય વ્યવસાય કરી જીવન નિર્વાહ ચલાવે છે. ગામમાં 4થી 5 હજાર જેટલું પશુધન છે. જે ગામની ગૌચર જમીનમાં ચરણ કરે છે તેમજ વાડાઓમાં પણ પશુ રખાય છે. ગામમાં આવેલી ગૌચર જમીન પણ ગામના પશુપાલકો માટે ઓછી પડે છે.

આ ઉપરાંત ગામમાં અસંખ્ય કુટુંબો ઘરવિહોણાં છે, આ કુટુંબો ગૌચર જમીનમાં ઝૂંપડી બાંધી વસવાટ કરે છે. જેથી આ કુટુંબને મદદરૂપ થવા પણ જમીનની હાલ અને ભવિષ્યમાં જરૂર પડવાની છે. કોયલી ખાતે અન્ય જમીન ન હોવાથી ગૌચરની જમીનનો ઉપયોગ કરાય છે. જેથી પાલિકાનાં રખડતાં ઢોર માટે કોયલીની ગૌચર જમીન ન ફાળવવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...