વડોદરા શહેરમાં ગાયે ભેટી મારતા વિદ્યાર્થીને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેથી તે વિદ્યાર્થીને આજીવન વળતર માટે કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંન્ત શ્રીવાસ્તવે સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરી છે.
પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે આવતીકાલે મળનારી સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરી છે. જેમાં જણાવાયુ છે કે, વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તાઓ ઉપર અવાર-નવાર જોવા મળે છે. જેના કારણે વડોદરા શહેરની પ્રજાને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત રખડતા ઢોરોના કારણે અતિગંભીર અકસ્માતના બનાવો વારંવાર બનતા નજરે જોવા મળે છે. આ રખડતા ઢોરોનાં કારણે કેટલાક વડોદરાના નાગરિકોએ પોતાના જીવ ગુમાવી છે. તેમજ ગંભીર શારીરીક ઇજાઓ પણ થઇ છે. કુટુંબના એક જ કમાવનાર મોભીને આવી ગંભીર ઇજા થતાં કુટુંબને આર્થિક સંકટ ઉભું થાય છે, ત્યારે એ પરિવારની સ્થિતિ ખુબ જ દયનીય બની જાય છે. આ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર જવાબદાર છે. કોર્પોરેશનના વહીવટી તંત્રની બેદકારીના લીધે શહેરના નાગરિકો રખડતા ઢોરોનાં ત્રાસથી ત્રાહીમામ પોકારી ગયા છે.
તાજેતરમાં શહેરમાં એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને રખડતી ગાયના લીધે આંખમાં શિંગડું મારતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેના કારણે વિદ્યાર્થીને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ વિદ્યાર્થીને થયેલી ગંભીર ઇજાના કારણે થયેલી દવાખાનાનો ખર્ચ તેમજ વિદ્યાર્થીને આજીવન વળતર આપવું જેથી આગળની જીંદગીમાં જીવન નિર્વાહ થઇ શકે તે પ્રમાણેનું વળતર ચુકવવા સભામાં દરખાસ્ત રજૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.