• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Prof. Of MSU. Dasgupta Was To Be Awarded A Medal By Putin In Honor Of Russia's Prestigious Pushkin, To Be Given Embassy Following The War

MSUના પ્રોફેસરને ‘પુશ્કિન’ મેડલ:વડોદરાના પ્રોફેસર દાસગુપ્તાને રશિયાનું પ્રતિષ્ઠિત સન્માન; પુટિનના હસ્તે મેડલ આપવાનો હતો, યુદ્ધને પગલે એમ્બેસી આપશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
MSUના પ્રો. દાસગુપ્તાની તસવીર - Divya Bhaskar
MSUના પ્રો. દાસગુપ્તાની તસવીર
  • રશિયન ભાષા, કલા-સંસ્કૃતિ, શિક્ષણ તથા માનવ કલ્યાણના પ્રદાન બદલ આ મેડલ અપાય છે

મ.સ. યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીના રશિયન વિભાગના પૂર્વ પ્રોફેસર દેબલ દાસગુપ્તાની રશિયાના સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને રશિયન ભાષામાં પ્રદાન બદલ અપાતા પુશ્કિન મેડલ માટે પસંદગી થઇ છે. પ્રો.દાસગુપ્તાએ 1978થી 2016 એટલે કે 38 વર્ષ સુધી 4 હજારથી વધુ વિદ્યાર્થીને રશિયન ભાષાનું શિક્ષણ આપ્યું છે. રશિયાના પ્રતિષ્ઠિત એવોર્ડમાં પુશ્કિન મેડલની ગણના થાય છે. તેઓ આ મેડલ માટે પસંદગી પામનારા ગુજરાતના પ્રથમ વ્યક્તિ છે.

પ્રો.દેબલ દાસગુપ્તાને 2014માં યુજીસીના પ્રોજેક્ટ ઇ-પાઠશાલા, ઓનલાઇન બુક્સના સોર્સ સ્વયમ બુક્સના દેશના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકેની નિમણૂક કરાઈ હતી. જેમાં તેમની દેખરેખ હેઠળ રશિયન સહિત 480 દેશોનું સાહિત્ય અપલોડ કરાયું છે. ઉપરાંત તેમણે એમએના સિલેબસનાં 13 પાઠ્યપુસ્તકો પણ લખ્યાં છે. આ પ્રદાન બદલ તેઓ 1.91 કરોડની ગ્રાન્ટ મેળવી ચૂક્યા છે, જે એમએસયુના પ્રાધ્યાપકને પ્રોજેક્ટ માટે મળેલી સૌથી વધુ રકમ છે. પ્રો.દેબલ દાસગુપ્તા કહે છે કે, ‘આ મેડલ માટે વ્યક્તિનાં ઓછાંમાં ઓછાં 20 વર્ષનું પ્રદાન ધ્યાને લેવાય છે.

મેડલ માટે રશિયન ભાષાના શિક્ષકોના સંઘ ઇન્ડા પ્રાયલ દ્વારા રશિયાના શિક્ષકોની સંસ્થા મા ત્રેયલને નોમિનેશન કરાય છે. તે મેડલ કોને આપવો તે નક્કી કરે છે. છેલ્લે 2015માં મેડલ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના હસ્તે અપાયો હતો.’ આ મેડલ કોરોના અને આ વર્ષે યુક્રેન વોરને લીધે એનાયત થઇ શક્યા નહતા. હવે 12 જૂન રશિયન ડેના દિવસે ભારત ખાતેના રશિયન એમ્બેસેડર દ્વારા એનાયત થાય તેવી શક્યતા છે. આ અંગે પ્રો.દાસગુપ્તા સાથે એમ્બેસી દ્વારા પત્ર વ્યવહાર કરાયો છે. રશિયન સાહિત્યકાર પુશ્કીનની યાદમાં મેડલ અપાય છે.

3 છાત્રે નેટ પાસ કરી, નોકરીની તકો ઓછી
પ્રો.દાસગુપ્તાએ જણાવ્યું કે, રશિયન ભાષા શીખવાનો ક્રેઝ વડોદરા કે ગુજરાતમાં વધતો નથી તેનું કારણ નોકરીની તકો ઓછી છે. છતાં 3 વિદ્યાર્થીઓએ મ.સ. યુનિ.માંથી નેટની પરીક્ષા પાસ કરી છે અને પીએચડી પણ કરી છે. JNUમાં તેમના ગુરુ સીએન ચક્રવર્તીએ પણ 1973-74માં રશિયન ફેડરેશનનો મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...