વડોદરા જિલ્લામાં કુલ 7882 મકાનો તેમજ બિનરહેણાક સ્થળો પર લગાવેલી સોલાર પેનલ દ્વારા કુલ 73341.51 કિલોવોટ ગ્રીન એનર્જી ઉત્પાદિત થઇ રહી છે. આ વીજળીની કિંમત ગ્રાહકોને વીજબિલમાંથી મજરે આપવામાં આવી રહી છે. જિલ્લામાં રહેણાકના હેતુ માટે 7197 ગ્રાહકો અને બિનરહેણાક હેતુ માટે 685 ગ્રાહકોને આવરી લઇ સોલાર પેનલ બેસાડવામાં આવી છે.
વિદ્યુત મંત્રાલય દ્વારા 26 થી 30 જુલાઈ સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર @2047 વીજ મહોત્સવ ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓ પણ સમજાવાશે. વીજ કંપનીના અધિક્ષક ઇજનેર એન.એસ.ચાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વર્ષ 1960થી માર્ચ 2002 સુધી માત્ર 42 સબ સ્ટેશનો હતાં.
તેની સામે માર્ચ–2002 થી માર્ચ-2021 સુધીમાં 34 નવાં સબ સ્ટેશનો બનાવાયાં છે. પ્રથમ 42 વર્ષમાં 42ની સામે છેલ્લાં 20 વર્ષમાં જ 34 સબ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. જિલ્લામાં છેલ્લાં 5 વર્ષમાં રૂા.2905.83 લાખના ખર્ચથી 140 નવાં વીજ ફીડરો નાખવામાં આવ્યાં છે. ચાલુ વર્ષે રૂા.728.46 લાખના ખર્ચે વધુ 22 વીજ ફીડરો ઊભાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.