નિઝામપુરા વિસ્તારના અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે બદઇરાદાથી ક્લાસમાં આવતી વિદ્યાર્થિનીને વોડકા (દારૂ) પીવડાવતા તબિયત લથડી હતી. વિદ્યાર્થિનીની તબિયત બગડ્યા બાદ ગભરાઇ ગયેલ શિક્ષક વિદ્યાર્થિનીને તેના ઘરે મુકી આવ્યો હતો. અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી હતી. દીકરીની હાલત માટે શિક્ષક જવાબદાર હોવાનો આરોપ મુકતી ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે શિક્ષકની અટકાયત કરી છે.
વિદ્યાર્થીનીની હાલત ખરાબ થતા શિક્ષક ગભરાયો
ફતેગંજ પોલીસ મથકના પી.આઇ. પરમારે જણાવ્યું હતું કે, શહેરના નિઝામપુરા અર્પણ કોમ્પ્લેક્સમાં ખાનગી ટ્યુશન ક્લાસ આવેલો છે. આ ટ્યુશન ક્લાસમાં પ્રશાંત નામના વ્યક્તિ શિક્ષક તરીકે નોકરી કરે છે. આ શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ પણ બેસાડી રાખી હતી. ટ્યુશનનો સમયગાળો પૂરો થયા બાદ અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા. બપોરે 3:30થી રાત્રિના 8:30 દરમિયાન વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતું. શિક્ષકે કયા કારણોસર કેફી પીણું પીવડાવ્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ શિક્ષકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સાથે વિદ્યાર્થિની પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તપાસ ચાલી રહી છે.
દીકરીને લથડીયા ખાતા જોઇ પરિવાર ચોંકી ઉઠ્યો
મળેલી માહિતી પ્રમાણે ક્લાસ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને દારૂ પીવડાવ્યા બાદ તેની હાલત જોઈ પ્રશાંત ગભરાઈ ગયો હતો અને પોતાની ગાડીમાં ભોગ બનનાર વિદ્યાર્થિનીને તેના ઘરે જઈને છોડી આવ્યો હતો. વિદ્યાર્થિની પોતાના ઘરે અર્ધબેભાન હાલતમાં પહોંચ્યા પછી પણ તેના શરીરનું સંતુલન જળવાતું ન હતું. જેથી ઘરમાં હાજર પરિવારને દીકરીની હાલત જોઇ શંકા ગઇ હતી. જેથી માતાએ આ અંગે દીકરીની પૂછપરછ કરતા તેણે ટ્યૂશન ક્લાસમાં બનેલી ઘટનાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ અંગે પીડિત યુવતીની માતાએ ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે એજ્યુકેશન ક્લાસના પ્રશાંત સર વિરુદ્ધ જાતીય સતામણી તથા વિદ્યાર્થિનીને જબરજસ્તી દારૂ પીવડાવવા અંગે ગુનો દાખલ કરી અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.