વડોદરા-હાલોલ રોડ ઉપર આવેલા ભાવપુરા ગામ પાસે આજે સમી સાંજે ગોધરાથી મુસાફરો લઇને આવતી ખાનગી લકઝરી બસ પલટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં બસમાં સવાર 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું તબીબી વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું.
ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલામાં લવાયા
મળેલી માહિતી પ્રમાણે ગોધરાથી મુસાફરો ભરીને વડોદરા તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ વડોદરા-હાલોલ રોડ ઉપર આવેલા ભાવપુરા ગામના પાટીયા પાસે ધડાકાભેર પલટી ખાઇ ગઇ હતી. રોડની વચ્ચોવચ બસ પલટી ખાઇ જતાં, બસમાં સવાર મુસાફરોએ ચિસાચીસ કરી મૂકી હતી. બસ ધડાકાભેર પલટી ખાતા ભાવપુરા ગામના લોકો તેમજ સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. બચાવ માટે દોડી આવેલા લોકોએ બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
ક્રેઇનથી બસ દૂર કરાઇ
બસમાં સવાર 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તો પૈકી બે મુસાફોરની હાલત ગંભીર હોવાનું સયાજી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું. આ ઘટનાને પગલે હાલોલથી વડોદરા તરફના માર્ગ ઉપર ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ગણતરીની મિનીટોમાં હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. રોડની વચ્ચો વચ બસ પલટી ખાઇ જવાના કારણે તંત્રને બસને રોડની વચ્ચેથી બાજુમાં લેવા માટે ક્રેઇનની મદદ લેવાની ફરજ પડી હતી. સદભાગ્યે મોટી દુર્ઘટના બનતા ટળી ગઇ હતી.
બાપોદમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિતને 20 વર્ષની કેદ
શહેરના બાપોદ વિસ્તારમાં જુલાઇ 2021માં 14 વર્ષની કિશોરીનું આરોપી કનકસિંહ અશોકભાઇ ઠાકોર (રહે. સિકંદરપુરા ગામ, આજવા રોડ, વડોદરા)એ અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે બાપોદ પોલીસે આરોપીની સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આ કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં જજે આરોપી કનકસિંહ ઠાકોરને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ પીડિતાને ચાર લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસે જુના રેલવે સ્ટેશન પાસેની ખૂલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા દરમિયાન 11 જુગારીયો ઇકબાલ સુલેમાન સુરતી (રહે. અશરફી મસ્જીદ, ગોધરા), મહંમદ હનીફ અબ્દુલમજીદ શેખ (રહે. ઘાંચીવાડા, કપડવંજ), હસમુખ અરવિંદ પંચાલ (રહે. મધુવન નગરી, જરોદ), સંજય ભગવાનદાસ ડબગર (રહે. નવાબજાર, જરોદ), રમેશ રમણભાઇ રાઠોડ (રહે. મણીનગર, જરોદ), રાજુ બાબરભાઇ ભાલીયા (રહે. જરોદ ), સુનિલ શનાભાઇ બાલીયા (રહે. રહે. સાદરા ગામ, સાવલી), રાજુ શનાભાઇ રાઠોડીયા (રહે, લીલોરા ગામ, વાઘોડીયા), રાજુ ઉદેસિંહ ચૌહાણ (રહે. જરોદ), અશોક ડાહ્યાભાઇ બારીયા (રહે. જરોદ) અને અરવિંદ બુધાભાઇ તલાવીયા (રહે. સિહાપુરા નવી નગરી, વાઘોડીયા)ની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સુત્રધાર ચિરાગ હરીશભાઇ પટેલ (રહે. અંબિકાનગર સોસાયટી, જરોદ)ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.
ચિરાગ પટેલ જુગારખાનું ચલાવતો હતો
આ વરલી મટકાનો જુગાર ચિરાગ હરીશભાઇ પટેલ (રહે. અંબિકાનગર સોસાયટી, જરોદ) લોકોને ભેગા કરીને રમાડી રહ્યો હતો. જોકે, તે મળી ન આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે જુગારના દાવ રોકડ રકમ રૂપિયા 19,980, 10 મોબાઇલ ફોન, 7 વાહન વિગેરે મળી કુલ્લે રૂપિયા 2,66,480 મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુગાર ધારા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જરોદ જુના રેલવે સ્ટેશન પાસેથી જુગાર પકડાતા ચકચાર મચી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.