પત્ની અને પુત્રની હત્યા કરી આત્મહત્યા કરી લેવાના બનાવમાં પાણીગેટ પોલીસની તપાસમાં પ્રિતેશ મિસ્ત્રી દેવા તળે દબાયેલો હોવાનું બહાર આવ્યું છે જેમાં એને રૂપિયા એક કરોડ ઉપરાંતની લોન જુદી જુદી બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી લીધી હોવાનું બહાર આવ્યું છે.
બે દિવસ અગાઉ વાઘોડિયા રોડ દર્શનમ્ ઉપવનના મકાન નંબર 102માં રહેતા મિસ્ત્રી પરીવારમાં મોતનું તાંડવ ખેલાયું હતું. જેમાં પત્ની સ્નેહા અને પુત્ર હર્ષિલની હત્યા કરી પ્રિતેશ મિસ્ત્રીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી એ અગાઉ દીવાલ પર અને મોબાઈલમાં આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાનું લખાણ લખ્યું હતું.
તપાસમાં પ્રિતેશ દ્વારા જુદી જુદી બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી 43 જેટલી લોન લીધી હોવાનું શોધી કાઢ્યું હતું. લોનની રકમ એક કરોડ ઉપરાંતની હોવાનુ બહાર આવ્યું છે. એક કરોડ પૈકી 56 લાખની લોન હજી સુધી ચૂકવવાની હતી. પાણીગેટ પોલીસના જણાવ્યા પ્રમાણે પરીવારજનો હાલ શોકમાં હોવા ઉપરાંત ધાર્મિક વિધિમાં હોવાથી નિવેદન લઈ શકાયા નથી.
એક લોન ભરવા માટે બીજી લોન લીધી હતી
પ્રિતેશ દ્વારા એક બેંકની લોનના હપ્તા ભરવા માટે બીજી બેંક કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી ઉંચા વ્યાજે લોન લીધી હોવાનું બહાર આવ્યું છે જ્યારે કોઈ વાહન કે વસ્તુના નામે લોન લઈને રોકડા કરવા સસ્તામાં વેચી પૈસા શેર બજારમાં લગાવતો હોવાનુ અને શેર બજારમાં ખોટ જતા આર્થિક પરિસ્થિતિ બગડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.