વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં ડ્રેનેજ લાઈન પર કરવામાં આવેલા 50થી વધુ દબાણો પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, 15 દિવસ પૂર્વે સ્થાનિકોએ ડ્રેનેજના પાણી ઘરોમાં ઘૂસી જવા અંગેની ફરિયાદ સાથે વોર્ડ નં-7ની કચેરી ઉપર ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. દરમિયાન આજે પાલિકાની દબાણ શાખાએ દબાણો દૂર કરીને અને જે-તે સ્થળે નવીન લાઇન નાખવાની કામગીરી હાથ પર લીધી હતી.
લોકોના ઘરમાં ડ્રેનેજના પાણી ઘૂસ્યા
વડોદરા કોર્પોરેશનના વહીવટી વોર્ડ નં-7માં સમાવિષ્ટ તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજની સમસ્યા સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ હતી. ડ્રેનેજ લાઈનની ઉપર ગેરકાયદે દબાણો કરી દેવાના કારણે ડ્રેનેજના પાણીને જવાનો રસ્તો ન રહેતા ડ્રેનેજના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા હતા.
અનેક વખત રજૂઆતો કરી
સ્થાનિકો દ્વારા અનેક વખત વડોદરા કોર્પોરેશનના જવાબદાર તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ, પાલિકા તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. દરમિયાન 15 દિવસ પૂર્વે સ્થાનિક લોકોનું ટોળું વોર્ડ નંબર 7ની કચેરીએ ધસી ગયું હતું અને ડ્રેનેજની સમસ્યા દૂર કરવા માટે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે હોબાળો પણ મચાવ્યો હતો. સ્થાનિક લોકોની ગંભીર સમસ્યાને પગલે પાલિકાની કચેરી તેમજ જવાબદાર તંત્ર દ્વારા જે-તે વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ડ્રેનેજ લાઈન બદલવાનું જણાય આવ્યું હતું. પરંતુ, આ ડ્રેનેજ લાઈન ઉપર કેટલાક ગેરકાયદેસર દબાણો પણ જણાઈ આવ્યા હતા.
દબાણો દૂર કરવા સૂચના
પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે સ્થાનિક લોકોને લેખિત તેમજ મૌખિક સૂચનાઓ પણ આપી હતી. પરંતુ, કેટલાક લોકો દ્વારા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. તો કેટલાક દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. પરંતુ, આજે પાલિકાએ નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે અને ડ્રેનેજનો પ્રશ્ન કાયમી હલ કરવા માટે ડ્રેનેજ લાઈન ઉપર કરવામાં આવેલા 50 જેટલા ગેરકાયદેસરના દબાણો દૂર કરી દીધા હતા.
વિરોધ વગર દબાણો દૂર કરાયા
ડ્રેનેજની ગંભીર સમસ્યા હોવાના કારણે પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવા છતાં પણ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ન હતો. પરિણામે શાંતિપૂર્ણ રીતે દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને તુલસીવાડીનો ડ્રેનેજનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો હતો. હવે આ સ્થળે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. પાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી સમયે વડોદરા કોર્પોરેશનના ટીડીઓ સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ કામગીરી પાર પાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.