પાલિકાની કાર્યવાહી:વડોદરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા, ભાજપના કાઉન્સિલરોએ કહ્યું: 'હવે દબાણો થશે તો કડક કાર્યવાહી કરાશે'

વડોદરા13 દિવસ પહેલા
સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆતને પગલે દબાણો હટાવાયા હતા
  • સિદ્ધનાથ રોડ, ખંડેરાવ માર્કેટ પાછળ, કીર્તિસ્થંભ પાસે દબાણો હટાવી દબાણ શાખાએ લારી-ગલ્લા જપ્ત કર્યાં

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના સિદ્ધનાથ રોડ, ખંડેરાવ માર્કેટ પાછળ અને કીર્તિસ્થંભ પાસે ટ્રાફિકને અડચણરૂપ ખાણીપીણીની લારીઓ-ગલ્લાઓ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. કીર્તિસ્થંભ ચાર રસ્તા પાસે ઇંડાની લારીના સંચાલકે વીજ કંપનીની ડી.પી. ફરતે મારેલી ફેન્સિંગની અંદર-ખુરશી, ટેબલ સહિતનો સામાન ગોઠવી કબજો જમાવી દીધો હતો. સ્થાનિક કાઉન્સિલરોએ જણાવ્યું કે, હવે પછી ચાર રસ્તા ઉપર કોઇ લારી-ગલ્લાના દબાણો કરશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કાઉન્સિલરોને રજૂઆતને પગલે દબાણો હટાવાયા
વડોદરામાં વહીવટી વોર્ડ નં-5ની કચરી દ્વારા છેલ્લા બે દિવસથી ખંડેરાવ માર્કેટ પાછળ તેમજ સિદ્ધનાથ તળાવ રોડ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે પણ સિદ્ધનાથ તળાવ રોડ અને ખંડેરાવ માર્કેટ પાછળ રોડ પર ફ્રૂટની દુકાનોમાં ફ્રૂટ ભેરેલા કેરેટો તેમજ લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ સાથેસ્થાનિક કાઉન્સિલરો જાગૃતિબહેન કાકા, ધર્મેશ પટણીની રજૂઆતના પગલે કીર્તિસ્થંભથી ખંડેરાવ માર્કેટ રોડ સુધીના ટ્રાફિકના નડતરરૂપ ખાણી-પીણીની લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

લોકોના ટોળા એકઠા થઇ ગયા
કીર્તિસ્થંભ પાસે ઇંડાની લારીના સંચાલકે વીજ કંપનીની ડીપી ફરતે કરવામાં આવેલી ફેન્સિંગમાં જ પોતાની લારીનો સામાન ખુરશી, ટેબલો, બેટરી મુકીને કબજો જમાવી દીધો હતો. સ્થાનિક કાઉન્સિલરોએ ઉભા રહી ડી.પી.ની અંદર મુકવામાં આવેલો સામાન ખાલી કરાવ્યો હતો. એતો ઠીક મહિલા કાઉન્સિલરે જાતે જ ડી.પી.ની અંદર મુકેલો સામાન લઇ દબાણ શાખાની ટીમને જમા કરાવ્યો હતો. સવારે કાઉન્સિલરો સાથેની દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

હવે દબાણો થશે તો કડક કાર્યવાહી કરાશે
કાઉન્સિલરો જાગૃતિબહેન કાકા અને ધર્મેશ પટણીએ જણાવ્યું હતું કે, રોડ ઉપર આડેધડ ઉભી રહેતી લારીઓના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે લારીઓના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજથી ચાર રસ્તા પાસે એકપણ ખાણી-પીણીની લારીઓ ઉભી કરાશે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમકી ચીમકી ઉચ્ચારી હતા. કોર્પોરેશન દ્વારા આજે રોડ ઉપરની લારીઓ દૂર કરવાની સાથોસાથ દંડનીય કાર્યવાહી કરી હતી.

શ્રમજીવીઓ વચ્ચે ઝઘડો થયો હતો
ઉલ્લેખનિય છે કે, સોમવારે સિદ્ધનાથ રોડ અને ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટના વેપારીઓ અને પથારા નાખીને ફ્રૂટ સહિતની ચિજવસ્તુઓ વેચતા શ્રમજીવીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક વેપારીએ રોડ ઉપર બેસીને ધંધો કરતા મહેનતકશ વ્યક્તિ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવના ભાગરૂપે આજે સવારથી કોર્પોરેશનની દબાણ શાખાએ સિદ્ધનાથ રોડ, ખંડેરાવ માર્કેટ પાછળ અને કીર્તિસ્થંભ ચાર રસ્તા પાસેના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...