શહેરની બે બેઠકો પર ભાજપના કાર્યકરો નામ પૂરતા જ દેખાઇ રહ્યા છે. શહેર-વાડી વિસ્તારના વર્તમાન કાઉન્સિલર, પૂર્વ સિનિયર કાઉન્સિલરો રાવપુરાના ઉમેદવારના પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. અકોટા વિધાનસભાના ઉમેદવારના પ્રચારમાં પણ હોદ્દેદારો-કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી રહી છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ગુરુવારે પૂરી થઇ ગઇ છે.
ભાજપમાં ઉમેદવારોની જાહેરાત બાદ ક્યાંક ને ક્યાંક અસંતોષ દેખાઈ રહ્યો છે. આંતરીક જૂથબંધીને પગલે ઉમેદવારો જાહેર થયા હોવા છતાં કાર્યકરો, હોદ્દેદારો માત્ર દેખાડો કરવા માટે જ સક્રિય જોવા મળી રહ્યા છે. ખાસ કરીને શહેર-વાડી વિધાનસભા બેઠક પર મંત્રી મનીષાબેન વકીલને રિપીટ કરવામાં આવ્યાં છે ત્યારે તેમના દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
બીજી તરફ વોર્ડ 6ના કાઉન્સિલર શીતલ મીસ્ત્રી, પૂર્વ કાઉન્સિલર કેતન બહ્મભટ્ટ, દાદુ ગઢવી જેવા આગેવાનો રાવપુરાના ઉમેદવાર બાળુ શુક્લાના મતક્ષેત્રમાં કામગીરી કરી રહ્યા છે. જ્યારે વોર્ડ 6નાં કાઉન્સિલરો હીરા કાંજવણી, જયશ્રી સોલંકી, વોર્ડ 5નાં કાઉન્સિલરો પ્રફુલ્લા જેઠવા, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, વોર્ડ 4નાં કાઉન્સિલરો પિન્કી સોની, રાખી શાહ શહેર વાડીના પ્રચારમાં નામ પૂરતાં દેખાઇ રહ્યાં છે. જ્યારે વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષી ડભોઇના ધારાસભ્યના ઉમેદવારના પ્રચારમાં વ્યસ્ત છે. શહેર વાડીમાંથી દાવેદારી કરનારા પણ ગાયબ થઇ ગયા છે.
બીજી તરફ અકોટામાં ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઇના કિસ્સામાં પણ કાર્યકરો સક્રિય હોવાનો દેખાડો કરી રહ્યા છે. નામ પૂરતા હાજર રહીને ગાયબ થઇ જાય છે. ચૈતન્ય દેસાઇ ગુરુવારે ઉમેદવારીપત્ર ભરવા માટે ગયા હતા, જેમાં કાર્યકરો અને હોદ્દેદારોની પાંખી હાજરી જોવા મળી હતી. ફોર્મ ભરવા જતી વખતે રેલીમાં 500 કરતાં પણ ઓછા કાર્યકરો જોવા મળ્યા છે.
ટિકિટ ન મળતાં દાવેદારો ગાયબ થયા
ભાજપનાં આંતરીક વતૃળોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ટિકિટ માગનારા દાવેદારોની ટિકિટ કપાયા પછી કાર્યાલયના ઉદઘાટન સુધી દેખાયા હતા. ત્યાર પછી દાવેદારો નારાજ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ટિકિટ માગનારામાંથી ઘણાં દાવેદારો નિષ્ક્રિય થઇ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.