• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Premaswarupadas Swami Select As The New Gadipati Of Haridham Sokhada Swaminarayan Temple, All The Saints Will Work Under His Leadership

ગાદીના વિવાદનો અંત:હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામી નિમાયા, તેમના નેતૃત્વમાં તમામ સંતો કામ કરશે

વડોદરા10 મહિનો પહેલા
સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામી (ફાઇલ તસવીર)
  • બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની પણ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નવા ગાદીપતિ બને તેવી ઇચ્છા હતી
  • હરીપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થયા બાદ ગાદીને લઇને શરૂ થયેલા વિવાદનો અંત આવ્યો છે

વડોદરા નજીક આવેલા સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદ અંત આવ્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીની નિમણૂંક કરવામાં આવી છે. ગાદીના વિવાદને લઇને આજે પ્રેમસ્વરૂપદાસ સ્વામી, પ્રબોધ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામી સામે આવ્યા હતા અને પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીએ જણાવ્યું હતું કે, ગાદીપતિને લઇને કોઈ વિવાદ છે જ નહીં. અમે તમામ એકજૂટ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

પ્રેમસ્વરૂપદાસ સ્વામીના નેતૃત્વમાં અમે સેવારત છીએ
સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોઇ વિવાદ નથી. કેટલાક ભક્તોએ લાગણીવશ પ્રબોધ સ્વામીને લઇને વિવાદ કર્યો હતો. પ્રબોધ સ્વામીએ સ્વપ્નમાં પણ ક્યારેય ગાદીપતિ થવાનો વિચાર કર્યો નથી. સમગ્ર હરિધામ પરિવાર સ્વામીજીના જીવનમંત્રને લઇને સેવાકીય કાર્યો કરે છે. પ્રેમસ્વરૂપદાસ સ્વામીના નેતૃત્વમાં અમે સેવારત છીએ. તેમનો સ્વીકાર અમને ખુબ સહજ છે અને તેમની આજ્ઞામાં રહેવુ એ અમારી ભક્તિ છે.

પ્રેમસ્વરૂપદાસ સ્વામી અને પ્રબોધ સ્વામી ભેટી પડ્યા હતા
પ્રેમસ્વરૂપદાસ સ્વામી અને પ્રબોધ સ્વામી ભેટી પડ્યા હતા

યોગીજી મહારાજે પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું
પ્રેમસ્વરૂપદાસ સ્વામી 1960થી યોગીજી મહારાજ સાથે જોડાયેલા હતા. 1962માં તેઓ વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે દરમિયાન તેઓ અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. 10 ઓક્ટોબર 1965માં દશેરાના દિવસે હરીપ્રસાદ સ્વામી સાથે ગોંડલ અક્ષર મંદિરમાં દીક્ષા લીધી હતી. તેના 5 દિવસ બાદ એટલે કે, 15 ઓક્ટોબર 1965માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામી સાથે ભગવી દીક્ષા લીધી હતી અને યોગીજી મહારાજે તેઓનું નામ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ આપ્યું હતું.

પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલભાઇ પટેલ છે. તેઓ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે. તેઓની ઉંમર હાલ 75 વર્ષની છે અને હાલ તેઓ યોગી ડિવાઇન સોસાયટીના કોઠારી સ્વામી તરીકેની સેવા આપી રહ્યા છે.

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર
હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર

હરિભક્તો વચ્ચે પોતપોતાના સ્વામીજીને ગાદીપતિ જાહેર કરવા હોબાળો થયો હતો
ઉલ્લેખનિય છે કે, સોખડા હરિધામ મંદિર ખાતે હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરનિવાસી થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ મહારાજને ગાદી પર બિરાજમાન કરવા અંગે શનિવારે સાંજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું કેટલાક હરિભક્તોએ જણાવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપદાસ અને પ્રબોધજીવન સ્વામી બંને અનુયાયીના સંતો અને હરિભક્તો વચ્ચે પોતપોતાના સ્વામીજીને ગાદીપતિ જાહેર કરવા મામલે હોબાળો કરી મંદિર પાસે જ સ્વામીનારાયણની ધૂન કરવા બેસી ગયા હતા. હરિભક્તો વચ્ચે હોબાળો થતાં આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, 26 સપ્ટેમ્બરના રોજ હરિભક્તોની હાજરીમાં સોખડા હરિધામમાં હરિપ્રસાદ સ્વામીજીના દ્વિમાસીક સ્મૃતદિન નિમિત્તે સભા પણ યોજાઈ હતી.

પ્રેમસ્વરૂપદાસ સ્વામી અને પ્રબોધ સ્વામીના અનુયાયીઓ માગ કરી હતી
રવિવારના રોજ વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક વડીલ સંત હરિભક્તોને વિનંતી કરી રહ્યાં છે કે, ‘સૌ હરિભક્તોને પ્રાર્થના છે કે, આપણે સૌ ગુરુહરી સ્વામી રાજી થાય તેવું કરવું છે કે, પછી મનને રાજી કરવું છે. સ્વામીજી રાજી થાય તેમ કરવું હોય, તો આપણે જેના માટે પ્રાર્થના કરી હતી તે પ્રેમસ્વરૂપ સ્વામીજીની આજ્ઞામાં રહેવું છે કે, આપણે મનધાર્યું કરવું છે. દરમિયાન હરીભક્તો બુમો પાડતા હતા કે, પહેલા પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીને હાર પહેરાવી ગાદીપતિ તરીકે નામ જાહેર કરો. તો બીજી તરફ પ્રબોધસ્વામીજીના અનુયાયીના હરિભક્તો પણ તેમને ગાદીપતી તરીકે નામ જાહેર કરવાની માગણી કરતા હતાં. ત્યારે વડીલ સંતે હરિભક્તોને જીદ ન કરવા જણાવ્યું હતું.

સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત ત્યાગવલ્લભ સ્વામી
સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત ત્યાગવલ્લભ સ્વામી

પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોમાં નિરાશા
સોમવારના રોજ ત્યાગવલ્લભ સ્વામી દ્વારા પ્રેમસ્વરૂપ સ્વામીના જ નેતૃત્વમાં અન્ય સંતો કામ કરશે તેવું નિવેદન આપતા પ્રબોધ સ્વામી જુથના હરિભક્તોમાં નિરાશા વ્યાપી હતી. પ્રબોધ સ્વામીને જ ગાદી પર આરૂઢ કરવામાં આવે તેવી માંગણી હરિભક્તો કરી રહ્યાં હતાં. સોમવારે પણ સોશીયલ મીડીયા ગ્રુપમાં કેટલાક હરિભક્તો દ્વારા નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...