હરિધામ મંદિરનો વિવાદ:પ્રેમસ્વરૂપ સ્વામી પ્રમુખપદેથી રાજીનામું આપીને માફી માંગે; પ્રબોધસ્વામી જૂથ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 15 દિવસમાં હરિભક્તોનું કલેકટરને બીજીવાર આવેદન
  • માફી ના માંગે તો હરિધામમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની હરિભક્તોની ચીમકી

હરિધામ સોખડાના મંદીરની ગાદીનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. પ્રબોધસ્વામીનું ગાતરીયું ખેંચવાની ઘટના હોય કે પછી તેમનું વારંવાર અપમાન કરવાની ઘટના બનતા હરિભક્તોની લાગણી દુભાતા તેમને કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રેમસ્વરૂપ સ્વામી જાહેરમાં માફી માંગી પ્રમુખ પદેથી બરતરફ કરવાની માંગણી કરી હતી. જો પ્રેમસ્વરૂપ સ્વામી માફી તેમજ રાજીનામું નહી આપે તો હરિભક્તો હરિધામમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, પુરૂષોત્તમચરણદાસ સ્વામીનું અવસાન થયા બાદ હરિપ્રસાદસ્વામીજીએ નવા કોઠારી તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીની વરણી કરી હતી. તેઓ પ્રમુખ થયા તેની જાણ જવાબદાર વ્યક્તિઓને કે આખા સમાજને કરવામાં આવી ન હતી. સમાજને અંધારામાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. હરિપ્રસાદ સ્વામીજીએ પ્રેમસ્વરૂપ સ્વામીને સંસ્થાના કોઠારી તરીકે નિમ્યાં હતાં, નહી કે અનુગામી તરીકે.

પરંતુ વાતોનું અર્થઘટન કરાવીને ઓડિયો-વિડિયોમાં પ્રેમસ્વરૂપસ્વામી જ હરિપ્રસાદ સ્વામીજીના સાચા અધ્યાત્મિક અનુગામી છે તેવું આ પ્રમુખપદના પાવરનો ઉપયોગ કરીને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યાં છે. જેમાં ત્યાગવલ્લભસ્વામીનો મહત્વપૂર્ણ રોલ છે. હરિપ્રસાદ સ્વામીજી જેવા ગુણ અને પ્રેમની અનુભુતી પ્રબોધજીવન સ્વામીમાં હરિભક્તોને થતી હોવાનું હરિપ્રસાદ સ્વામીજીએ ખુદ જણાવ્યું હતું. જેથી હરિભક્તોનો મોટો વર્ગ પ્રબોધસ્વામી સાથે જોડાયેલો છે.

ત્યાગવલ્લભ સ્વામી જૂથ પ્રેમસ્વરૂપ સ્વામીને સ્વીકારવા દબાણ કરે છે
હરિભક્તોએ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ત્યાગવલ્લભસ્વામી અને એમના જૂથ દ્વારા પરાણે પ્રેમસ્વરૂપસ્વામીનો અનુગામી તરીકે સ્વિકાર કરવા માટે કેમ્પસના સંતો-સેવકોને દબાણ કરાય છે. જેમાં મંદિર પરીસરમાંથી બહાર જવા ન દેવું, તેમની ગાડીઓનો સામાન ચેક કરવો, મોબાઈલ બંધ કરાવી દેવા, પાસપોર્ટ જપ્ત કરી લેવા, હરિભક્તોને હળવા-મળવા પર દેખ-રેખ રાખવી, સત્સંગ સમીતીઓમાં મનસ્વી ફેરફાર કરી પોતાના પક્ષવાળાના જ સભ્યોને સમિતિઓમાં મુકવાનો સમાવેશ થાય છે.

દાતાઓના અભિપ્રાય વિના હરિભક્તોએ દાનમાં આવેલી મિલકતો પર કબજો કર્યો
હરિભક્તોએ દાનમાં આવેલી મિલકતો માટે સત્તાના જોરે દાતાઓના અભિપ્રાય લીધા સિવાય પોતાની તરફેણવાળી વ્યક્તિઓની નિમણુંક કરી છે. સત્સંગના વિકાસ માટે મુંબઈથી જુનાગઢ સુધી હરિપ્રસાદ સ્વામીજીએ દરેક જિલ્લા દીઠ બે-બે સંતોની નિમણુંક કરી હતી. તે સંતોની ફેરબદલી પણ સત્તાના જોરી કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...