સોખડા મંદિર વિવાદ ચરમસીમાએ:સેવક પર ફરિયાદ ખેંચવા દબાણ કરાતું હોવાની ચર્ચા, 50 સંતોના ફોન સ્વિચ ઓફ; સંતોને મંદિર બહાર જવા પાબંદી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેવકને 4 સંતોએ ફટકાર્યો હતો - ફાઇલ તસવીર - Divya Bhaskar
સેવકને 4 સંતોએ ફટકાર્યો હતો - ફાઇલ તસવીર
  • સેવક દ્વારા કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરાતું હોવાની ચર્ચા

હરિધામ-સોખડા મંદિરમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના સંતોને મંદિરની બહાર જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જોકે કેટલાક વિશેષ હરિભક્તોને હાલ મંદિરમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. બીજી તરફ બંને જૂથના 50 જેટલા સંતોના મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવડાવવામાં આવ્યા હોવાનું હરિભક્તોએ જણાવ્યું છે. હરિધામ-સોખડા મંદિરનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરના સેવક અનુજ ચૌહાણના ઘરે તેના પિતા તેમજ દાદાને સમજાવવા માટે પણ રોજ સવારથી રાત સુધી અનેક ગાડીઓ પહોંચે છે. તેમજ પરિવારને અનુજ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવામાં આવતું હોવાની ચર્ચા છે.

મામલો થાળે પડે તે માટે શહેર ભાજપના નેતાઓ સમાધાન માટે પ્રયત્નશીલ થયા
હિંદુ ધર્મ અંગેની જ્યાં વાત આવે ત્યાં ભાજપ અને સોખડા સ્વામીનારાયણ સંપ્રદાય એકમંચ પર જોવા મળતા હોય છે. તેવામાં સોખડા-હરિધામ મંદિરમાં સંતો દ્વારા સેવકને માર મારવાની ઘટના બાદ સમગ્ર મામલો વધુ ઉછળતાં શહેર ભાજપના કેટલાક નેતાઓ હવે બંને પક્ષે સમાધાન કરાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે. જેમાં ભાજપના કેટલાક અગ્રણી નેતાઓ દ્વારા પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતોને મળીને મામલો થાળે પડે તેવી કોશીશ કરી રહ્યા છે.

અનુજ ચૌહાણનો 2 દિવસથી માત્ર ફોનથી સંપર્ક
સોખડા-હરિધામ મંદિરમાં થયેલી મારામારીની ઘટનામાં હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી. જોકે અરજીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા અરજદારના ગ્રાઉન્ડ ક્લીયરન્સ બાદ જ માર મારનારા 4 સંતોની પૂછપરછ કરશે. બીજી તરફ અનુજ ચૌહાણ બે દિવસથી પોતાના ઘરે ન હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. અનુજ માત્ર ફોન પરથી જ પોલીસનો સંપર્ક સાધી રહ્યો છે. બે દિવસ બાદ અનુજ પોતાનો જવાબ લખાવવા માટે પોલીસ સમક્ષ હાજર થશે તેમ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...